પારડી: ગતરોજ ધરમપુરના મિટ્ટીધન સંસ્થા સાથે જોડાયેલા સમાજસેવક હિરેનભાઈએ ખેરલાવ પ્રાથમિક શાળાના નાના બાળકો માટે પ્રેમ અને કાળજીપૂર્વક તૈયાર કરાયેલા બાલ ઓજારો (બાળ-શિક્ષણ સાધનો) તથા તેને રાખવા માટેનું વિશેષ સ્ટેન્ડ ભેટ રૂપે આપ્યા છે.
આ ભેટથી બાળકોને શિક્ષણ પ્રત્યે નવો ઉત્સાહ અને આત્મવિશ્વાસ મળ્યો છે. હિરેનભાઈએ બાળકોને દરેક સાધનનો ઉપયોગ કેવી રીતે કરવો તેની સરળ, આત્મીય અને વ્યવહારુ સમજ આપી, જેથી બાળકોના શિક્ષણમાં મજેદાર અને અસરકારક અભિગમ આવે. આ કાર્યને શાળાના શિક્ષકો અને વાલીઓએ હૃદયપૂર્વક આવકાર્યું છે.

ખેરલાવ ગામના સરપંચ શ્રી મયંક પટેલે આ અંગે Decision News ને પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરતાં કહ્યું કે, “હિરેનભાઈની આ સેવાભાવના અને પ્રેરણાદાયી કાર્ય ગામના બાળકોના ભવિષ્ય માટે અત્યંત મહત્વનું છે. આ સહયોગથી ગ્રામ્ય શિક્ષણને નવી ઊંચાઈ મળશે અને બાળકોમાં શિક્ષણ પ્રત્યેનો રસ વધે છે. આ માટે અમે તેમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ.” વ્યક્તિગત સ્તરે પણ ગ્રામીણ વિસ્તારોમાં શિક્ષણના વિકાસ માટે મોટો ફાળો આપી શકાય છે. ખેરલાવ પ્રાથમિક શાળા અને આખા ગામ તરફથી હિરેનભાઈને ખૂબ ખૂબ આભાર અને સલામ!











