તાપી: ગુજરાતમાં સૌપ્રથમવાર આદિવાસી સમાજ દ્વારા આદિવાસી જન નાયક તથા મહાન ક્રાંતિકારી સ્વાતંત્ર્ય સેનાની ટાંટિયા મામા ભીલ (The Indian Robin Hood) ની પ્રતિમાનું ભવ્ય અનાવરણ થવાનું છે. ટાંટિયા મામા ભીલની 184 મી જન્મજયંતી નિમિત્તે આ ઐતિહાસિક કાર્યક્રમ વ્યારા તાલુકાના મુસા ગામે આયોજિત કરવામાં આવ્યો છે.
આ કાર્યક્રમમાં તાપી જિલ્લાના આદિવાસી સમાજના હિતેચ્છુઓ, અખંડ ભારતના જાગૃત વીર ક્રાંતિકારી યુવાનો, સ્નેહીજનો તેમજ સમાજના માર્ગદર્શક વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે. આયોજકોના જણાવ્યા મુજબ આ કાર્યક્રમ આદિવાસી સમાજની એકતા, ગૌરવ અને ઐતિહાસિક વારસાને ઉજાગર કરવાનો મહત્વપૂર્ણ પ્રયાસ છે.
1857 ના સ્વાતંત્ર્ય સંગ્રામ બાદ અંગ્રેજોની શોષણની નીતિ સામે આદિવાસી સમાજના રક્ષણ માટે ટાંટિયા મામા ભીલ મેદાનમાં ઉતર્યા હતા. તેમણે નિડરતાપૂર્વક અંગ્રેજ શાસન સામે લડત આપી અને શોષકો દ્વારા લૂંટાયેલી જનતાની મહેનતની કમાણી પાછી લોકોને સોંપી હતી. તેમના પરાક્રમથી જલગાંવ, સાતપુડાના પહાડો, માળવા તેમજ બૈતુલ સુધીના વિસ્તારોમાં તેમનો દબદબો સ્થાપિત થયો હતો અને અંગ્રેજ શાસનને હંફાવ્યું હતું.
ટાંટિયા મામા ભીલના આ અનન્ય સાહસ અને લોકહિતના કાર્ય બદલ The New York Times દ્વારા 10 નવેમ્બર 1889ના રોજ તેમને “The Indian Robin Hood” તરીકે વિશ્વપ્રસિદ્ધિ આપવામાં આવી હતી. આ કાર્યક્રમનું આયોજન મદાવ જૂથ ગ્રામ પંચાયત પરિવાર અને આદિવાસી સમાજ, તાપી દ્વારા કરવામાં આવ્યું છે. આયોજકોએ સમાજના તમામ વર્ગોને આ ઐતિહાસિક પ્રસંગમાં ઉપસ્થિત રહી સહભાગી થવા જાહેર અપીલ કરી છે.











