ગુજરાત: રોગિષ્ટ સમાજની આ નિશાની છે ! હવે જ્ઞાતિ-સમાજમાં અવળી જાગૃતિ આવી છે. દરેક જ્ઞાતિ પોતાની જ્ઞાતિના ગુંડાઓ/ ભ્રષ્ટાચારીઓ/ બળાત્કારીઓના સમર્થન માટે સોશિયલ મીડિયામાં હાકલ કરે છે. તેમની પહોંચ બતાવે છે કે સમાજમાં જ્ઞાતિની ભાવના વધુ દ્રઢ બની છે.
જ્ઞાતિવાદનું આ પ્રદૂષણ જ્યારે ધર્મનો અંચળો ઓઢી લે છે ત્યારે હિન્દુઓને અને મુસ્લિમોને પોતાના ક્રિમિનલ દેવદૂત લાગે છે. બળાત્કારીઓ/ હત્યારાઓ સંસ્કારી લાગે છે ! સુરેન્દ્રનગરના કલેક્ટર રાજેન્દ્ર પટેલની ભ્રષ્ટાચાર સબબ EDએ ધરપકડ કરી તો ભાજપના નેતા વરુણ પટેલે આરોપી રાજેન્દ્ર પટેલના સમર્થનમાં ઘણું થૂંક ઉડાડ્યું અને રાજેન્દ્ર પટેલની તરફેણમાં રેલી પણ કાઢી! લાજવાની જગ્યાએ ગાજ્યા! શરમજનક બાબત એ બની કે મીડિયાએ વરુણ પટેલના ઇન્ટરવ્યૂ લઈ તેમને ‘હીરો’ બનાવી દીધો.
બગદાણામાં નવનીતભાઈ બાલધીયા પર આતંકવાદી માફક જીવલેણ હુમલો કરાવનાર જયરાજ આહીરની પોલીસે ધરપકડ કરી એટલે આહીર સમાજે તેમની તરફેણમાં ઝુંબેશ ઉપાડી છે. જો કે આવી ઝુંબેશ ઉપાડનાર સાથે સમાજ હોતો નથી. વરુણ પટેલ સાથે પાટીદાર સમાજ કે ‘Ahir Samaj’ નામના ફેસબુક એકાઉન્ટ સાથે આહીર સમાજ જોડાયેલ છે તેમ માની ન શકાય.
આ જ્ઞાતિવાદની ટોચ છે. પોતાની જ્ઞાતિનો ગુંડો/ બળાત્કારી/ ભ્રષ્ટાચારી સદાચારી-દેવદૂત લાગે તો સમાજમાં કાયદો-વ્યવસ્થા જળવાઈ શકે નહીં. કોઈ પણ જ્ઞાતિ-સમાજે હંમેશા પીડિતની બાજુ ઊભા રહેવું જોઈએ. એ જ સાચી સમાજસેવા અને દેશભક્તિ. પોતાની જ્ઞાતિના ગુંડા/ બળાત્કારી/ ભ્રષ્ટાચારીની તરફેણ કરનારા નાગરિક નથી, પ્રજા છે.
જ્ઞાતિ-કટ્ટરતાએ માણસાઈ ભૂલવાડી દીધી છે. ચોંકાવનારી બાબત એ છે કે કોઈ પણ જ્ઞાતિનો વગદાર વ્યક્તિ જ્યારે આરોપી બને છે ત્યારે જ સમાજ કેમ જાગે છે? ગરીબ વ્યક્તિ જો આરોપી બને તો તેની જ્ઞાતિનો સમાજ જાગતો નથી !
મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં 130 થી વધુના જીવ લેનાર જયસુખ પટેલના સમર્થનમાં પટેલ સમાજના સ્વઘોષિત નેતાઓએ ઝુંબેશ ચલાવી હતી. મોરારીબાપુ પણ સમર્થનમાં આવ્યા હતા. સરકારે પણ જયસુખ પટેલને જામીન મળે તેવી વ્યવસ્થા કરી આપી. પરંતુ કોઈ ગરીબ પટેલ આરોપી હોય તો પટેલ સમાજના નેતાઓએ/ મોરારિબાપુએ/ સરકારે સમર્થન કર્યું ન હોત! ટૂંકમાં આરોપી વગદાર હોય તો જ્ઞાતિ-સમાજ તેના સમર્થનમાં ધૂણવા લાગે છે!
સમાજ માટે/ દેશ માટે લડનારાઓને સરકાર જેલમાં પૂરે છે ત્યારે તેના સમર્થનમાં ન આવતા આ ‘જ્ઞાતિજનો’ જ્ઞાતિના આરોપીઓને/ દોષિતોને બચાવવા ઝુંબેશ ઉપાડે તે રોગિષ્ટ સમાજની નિશાની છે! જે સમાજ પોતાના ગુનેગારોને પૂજે છે, તે સમાજ પોતાના બાળકો માટે સુરક્ષિત ભવિષ્ય ક્યારેય કંડારી શકતો નથી.
BY: રમેશ સવાણી











