વ્યારા: ગુજરાતના ઈતિહાસમાં પ્રથમવાર એક અભૂતપૂર્વ પ્રસંગના સાક્ષી તાપી જિલ્લાના વ્યારા તાલુકાનું મુસા ગામ બન્યું છે. ભારતના સ્વતંત્રતા સંગ્રામના અપ્રતિમ યોદ્ધા અને આદિવાસી સમાજના જન નાયક ટાંટિ્યા મામા ભીલની 148 મી જન્મ જયંતી નિમિત્તે તેમની ભવ્ય “પ્રતિમા અનાવરણ” નો કાર્યક્રમ અત્યંત ઉત્સાહભર્યા વાતાવરણમાં સંપન્ન થયો હતો.
Decision News ને મળેલી જાણકારી મુજબ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે તાપી આદિવાસી સમાજના હિતેચ્છુઓ, અખંડ ભારતના વીર આદિવાસી ક્રાંતિકારી યુવાનો, અને સમાજના માર્ગદર્શક વડીલો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ક્રાંતિવીર ટાંટિ્યા મામા ભીલ, જેમને ‘ઈન્ડિયન રોબિન હૂડ’ તરીકે ઓળખવામાં આવે છે, તેમની પ્રતિમા સ્થાપિત કરીને નવી પેઢીને તેમના ત્યાગ અને સમર્પણથી માહિતગાર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. કાર્યક્રમ દરમિયાન આદિવાસી અસ્મિતા અને પરંપરાના દર્શન થયા હતા. હાજર રહેલા આગેવાનોએ ટાંટિ્યા મામાના જીવન સંઘર્ષ અને આદિવાસી સમાજના હકો માટેની તેમની લડાઈને યાદ કરી હતી.
આ પ્રસંગે યુવા પેઢીના ઉત્સાહ અને વડીલોના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમે સમગ્ર ગુજરાતમાં આદિવાસી સમાજની એકતા અને ગૌરવનો સંદેશ ફેલાવ્યો છે. મુસા ગામમાં સ્થાપિત આ પ્રતિમા આવનારા સમયમાં યુવાનો માટે પ્રેરણાનું કેન્દ્ર બની રહેશે.











