વાંસદા: સ્વચ્છ શાળામા રાજયની 15000 જેટલી શાળાઓમાં ટોપ 8 માં સ્થાન ધરાવતી તેમજ રાષ્ટ્રીય કક્ષાએ તૃતીય સ્થાન પ્રાપ્ત કરી પ્રશાસન દ્વારા વખાણાયેલી વાંસદા તાલુકાની રંગપુર પ્રાથમિક શાળામા 77 માં પ્રજાસત્તાક દિવસ નિમિતે ધ્વજવંદન અને વાર્ષિક સમારોહ યોજાયો.
સમારંભનાં પ્રમુખ તરીકે નવસારી મેડિકલ કોલેજના સ્ટોર મેનેજર મેડિકલ સ્ટોર અર્જુનભાઈ કાળુભાઈ માહલા અને અધ્યક્ષ તરીકે AICC સભ્ય હેમાબેન દિપકભાઈ ગરાસિયા તેમજ ડો.ચિરાગભાઈ, ડો.સુહાસભાઈ, ડો.દિપલભાઈ, ડો.મહિમાકુમારી, ડો.કૃતિકાબેન, ડો.અક્ષિલભાઈ, વિરલભાઈ,ડી.એમ.મહાકાળ, હરિસિંહભાઈ, કાળુભાઇ અને ગામના પ્રથમ નાગરિક સરપંચ હેમાબેન જયંતિભાઈ માહલા, માજી સરપંચો ગીતાબેન સુરેશભાઈ, જયવંતીબેન કાંતિલાલ, છગનભાઇ, પ્રવીણભાઈ વગેરે સહીત ગ્રામજનો ખુબ મોટી સંખ્યામા હાજર રહ્યા હતા.
સમસ્ત આદિવાસી સમાજનાં નવસારી જિલ્લા પ્રમુખ અને ખેરગામના ગોલ્ડ મેડલિસ્ટ સર્જન ડો.નિરવ ભુલાભાઇ પટેલે વિશેષ હાજરી આપી ઉપસ્થિત જનમેદનીને સંબોધતા જણાવેલ કે લોકો એકબીજાને ખોટી રીતે કનડવાનું, વ્યસન કરવાનું, ખોટા કામો કરવાનું,જાહેરમાં કચરો ફેંકવાનું અને મહેનત કરીને કમાવાનું ચાલુ કરશે અને પોતાના હક અધિકારો પ્રત્યે સજાગ રહેશે તેમજ જયારે દેશની કે સમાજની વાત આવે ત્યારે તમામ મતભેદ ભૂલીને એક થશે ત્યારે જ દેશ સાચા અર્થમાં પ્રજાસત્તાક બનશે ત્યાંસુધી આ બધી ઉજવણીઓ ફીકી જ રહેશે. તેમજ લોકોએ હવે ઠંડાપીણાં તેમજ જંકફૂડનો ત્યાગ કરી દેશી સાત્વિક ભોજન લેવાનું ચાલુ કરવું પડશે અન્યથા હાલમાં આદિવાસી વિસ્તારોમાં યુવાનોમા હાઈ સુગર, હાઈ પ્રેસર જેવી બીમારીઓનું પ્રમાણ ખુબ જ વધવા લાગ્યું છે જે ચિંતાનો વિષય છે તેમજ લવ જેહાદ અને ગરીબ આદિવાસી બાળાઓને ખરીદી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમા પશુની જેમ વેચી નાખી એમનાં પર અત્યાચાર ગુજારનારાઓએ પણ ચેતીને ચાલવું પડશે અન્યથા એવા તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરતા અચકાઈશું નહીં તેવી ચેતવણી આપી હતી. આ શાળાને રાષ્ટ્રીય સ્તરે લઇ જવા માટે આચાર્ય નીતિન પાઠક સહિતના શિક્ષકગણો મળવા બદલ ગ્રામજનો ખરેખર નસીબદાર છે.
કાર્યક્રમમાં રાષ્ટ્રીય અવકાશ સંશોધન સંસ્થા ઈસરોમા 15 દિવસની તાલીમ માટે પસંદગી પામેલ ભવ્ય રોહિતભાઈ પટેલનું તેમજ 8 જેટલાં શાળામંત્રી બાળકોનું સન્માન કરવામાં આવ્યું હતું.બાળકોની મનમોહક કૃતિઓએ દર્શકોનું મન મોહી લીધું હતું. કાર્યક્રમને સફળ બનાવવા આચાર્ય નીતિન પાઠક અને શિક્ષકગણો અને એસએમસી સભ્યોએ ખુબ જહેમત ઉઠાવી હતી.કાર્યક્રમમા બાળાઓના જન્મને વધાવવા વર્ષ 2025 મા જન્મેલી તમામ બાળાઓ અને તેમની માતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું











