પાલઘર: વાઢવણ બંદર અને પાલઘર આદિવાસી જિલ્લામાં ચોથું મુંબઇ બનાવવાના મેગા પ્રોજેક્ટમાં જંગલ અને પર્યાવરણને નુકસાન અને સ્થાનિકોના રોજગારને લઈને આદિવાસી ખેડૂતો અને માછીમારોએ કમ્યુનિસ્ટ પાર્ટીના નેતૃત્વમાં જોરદાર વિરોધ-પ્રદર્શન કરવામાં આવ્યું હતું

આ વિરોધ પ્રદર્શનના તારાપુરથી પાલઘર સુધીના NH-48 પર મોટી સંખ્યામાં જોવા મળ્યું જેના લીધે મુંબઇ-અમદાવાદને જોડતા NH-48 પર મોટો ટ્રાફિક જામ થયો હતો. પાલઘરમાં માછીમારો, આદિવાસી સમુદાય અને મજૂરોએ પણ પાલઘર કલેક્ટર કચેરીની બહાર અભૂતપૂર્વ અને ઐતિહાસિક જનઆંદોલન જોવા મળ્યું હતું

હજારો નાગરિકો વાઢવણ બંદર અને પાલઘર જિલ્લા પર લાદવામાં આવી રહેલા ઘણા મેગા પ્રોજેક્ટ્સનો વિરોધ કરવા માટે રસ્તા પર ઊતરી આવ્યા હતા. પ્રદર્શનકારીઓએ કાળાં કપડાં અને કાળી ટોપી પહેર્યાં હતાં. પ્રદર્શનકારીઓનું કહેવું હતું કે   આ પ્રોજેક્ટ્સ પર્યાવરણીય રીતે વિનાશક, સામાજિક રીતે અન્યાયી છે અને સ્થાનિક વસ્તીના અસ્તિત્વ માટે સીધો ખતરો છે.

NFF ના પ્રમુખ રામકૃષ્ણ તાંડેલે મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે ‘આ બધા પ્રોજેક્ટ્સ પરંપરાગત માછીમારી આજીવિકા અને દરિયાઈ જીવસૃષ્ટિનો નાશ કરે છે. આદિવાસી અને ખેડૂત સમુદાય મોટા પાયે વિસ્થાપિત થાય છે. આ પ્રોજેક્ટ્સ સાથે ખેતીલાયક જમીન, મીઠાના અગર, મૅન્ગ્રૉવ્ઝ અને દરિયાકાંઠાનાં સંસાધનોનું નુકસાન થશે. આ પ્રોજેક્ટ્સ પાલઘરથી દહાણુ સુધીનાં લગભગ 107 ગામોનો નાશ કરશે. પાલઘરની જમીન, સમુદ્ર, આજીવિકા અને ભવિષ્યનો નાશ કરનાર વિકાસ પાલઘરના લોકો સ્વીકારશે નહીં. અમારી માગ આ પ્રોજેક્ટ્સ વિરુદ્ધ છે, કારણ કે જો આ બંદર બનાવવામાં આવશે તો બધા માછીમારો માછીમારી કરી શકશે નહીં. આ પ્રોજેક્ટ પર્યાવરણને અનુકૂળ નથી. એનાથી સમુદ્ર, જંગલ અને જમીનને નુકસાન થશે.’

કમ્યુનિસ્ટ પાર્ટીની પ્રોટેસ્ટ-માર્ચ આજે પણ પાલઘરની કલેક્ટર-ઑફિસ પહોંચશે અને એ મુજબ વિરોધ કરશે.કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પાલઘર સ્થિત હુતાત્મા ચોક, પાલઘરથી દહાણુ સુધીનાં રેલવે-સ્ટેશનો, ઓલ્ડ પાલઘર, છત્રપતિ શિવાજી ચોક, ડૉ. બાબાસાહેબ આંબેડકર ચોક અને NH-48 પર પોલીસ તહેનાત કરવામાં આવી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here