વલસાડ: આજરોજ વલસાડના તીઘરા ગામનામાં  કટકીબાજ કોન્ટ્રાક્ટર દ્વારા ATVT ના નવનિર્મિત રસ્તામાં હલકી ગુણવત્તા વાળી મેટલ વાપરી કથિત ભ્રષ્ટાચાર કર્યાના દ્રશ્યો તીઘરા ગામના જ આદિવાસી આગેવાન મુકેશભાઈ પટેલ દ્વારા બહાર પાડવામાં આવ્યા છે.

Decision News ને મળેલી માહિતીમુજબ વલસાડના તીઘરા નહેર ફળીયાથી સુભાષભાઈ હીરાભાઈના ઘર સુધી ATVT યોજના અંતર્ગત 150 મીટર જેટલો રસ્તો બનાવવામાં આવ્યો હતો જે ખુબ જ નબળી ગુણવતાવાળા મેટલ નાખીને બનાવવામાં આવ્યો હોવાની જાણ ગામના જાગૃત નાગરિકો દ્વારા ગામના આગેવાન મુકેશભાઈ ઠાકોરભાઈ પટેલને કરવામાં આવતા તેમણે સ્થળ ચકાસણી કરતા રસ્તો ખુબ જ નબળી ગુણવતાવાળો અને માત્ર હાથ ઘસવાથી ઉખડી જાય એવા દ્રશ્યો બહાર આવ્યા હતા. અને ચોમાસાના પહેલા વરસાદ સુધી પણ સુરક્ષિત રહેશે કે કેમ તે મોટો પ્રશ્ન છે.

આ બાબતે મીડિયા સાથેની વાતચીતમા મુકેશ પટેલે જણાવ્યુ હતું કે આ રોડની ગુણવતા બાબતે મેં વારંવાર જવાબદાર વ્યક્તિ સાથે વાત કરીને સુધારો કરવા જણાવેલ પરંતુ આજદિન સુધી સરખો નહીં થતા છેવટે અમારે ફરિયાદ કરવાની નોબત આવી છે. થોડા મહિનાઓ પહેલા તીઘરા નહેર ફળીયાથી તણાબા મંદિર સુધીનો રસ્તો ખુબ જ બિસ્માર હોય જેના માટે ખુબ મોટી સંખ્યામાં ગ્રામજનો સાથે મળીને રજૂઆત કરેલ પરંતું હજું સુધી કામ અભરાઈએ ચડેલું હોય એવું લાગી રહ્યું છે. તીઘરા નહેર ફળીયાથી અતુલ ફળીયાને જોડતો આશરે 450 મીટરનો રોડ પણ બિસ્માર હાલતમાં છે તેમજ અટગામ તીઘરા રોડ પણ ખુબ જ નબળી હાલતમાં છે તેથી તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારીને વિનંતી છે કે તીઘરા ગામ ક્યાં કારણોસર રસ્તાઓ સહીત અન્ય ઘણી બાબતોમાં વિકાસથી વંચિત રાખવામાં આવી રહ્યું છે તેની તપાસ કરવાના આદેશ આપી અમારા ગ્રામવાસીઓને બિસ્માર રસ્તાઓની જંજાળમાંથી મુક્તિ અપાવે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here