પાલઘર: મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે પર કમ્યુનિસ્ટ પાર્ટી દ્વારા આયોજિત ‘જળ, જમીન અને જંગલ બચાવો’ લોંગ માર્ચને પગલે ગતરોજ 50,000 થી વધુ આદિવાસી ખેડૂતો ઉતરી આવ્યા હતા અને પોતાના વિસ્તારમાં 5 અનુસૂચી લાગુ કરવાની માંગ કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે,
રેલીના કારણે હાઈવે પર ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાઈ હતી. હાલમાં મહારાષ્ટ્ર પ્રશાસન દ્વારા સુરક્ષા અને સલામતીના કારણોસર બે દિવસ માટે સવારે 8 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. જોકે, એમ્બ્યુલન્સ જેવી અતિ આવશ્યક સેવાઓ અને નાના વાહનો માટે અવરજવર ચાલુ રાખવામાં આવી છે.
ગતરોજ હજારો ટ્રકો અને ભારે વાહનોના પૈડા થંભી જવાથી હાઈવેની બંને તરફ લાંબો ટ્રાફિક જામ અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો કાફલો ખડકી દેવાયેલો જોવા મળ્યો હતો. કમ્યુનિસ્ટ પાર્ટીના આંદોલનને પગલે મહારાષ્ટ્ર પ્રશાસન હરકતમાં આવ્યું છે અને સતત સ્થિતિ પર નજર રાખી રહ્યું છે











