મધ્યપ્રદેશ: ૩૩માં આદિવાસી સાંસ્કૃતિક એકતા સંમેલનમાં જાણીતા સ્ત્રી રોગ નિષ્ણાત ડો. શાંતિકર વસાવાએ કહ્યું કે જો આદિવાસી સમાજ પોતાની જમીન, જંગલ અને સંસ્કૃતિને બચાવવા માંગતો હોય, તો સૌથી પહેલાં તેમણે પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું પડશે.
ડો. શાંતિકરે જણાવ્યું કે “આદિવાસી એકતા પરિષદ” એ વડીલો દ્વારા રોપાયેલું એક મોટું વટવૃક્ષ છે. જે લોકો વર્ષો સુધી આ સંગઠનથી દૂર રહ્યા હતા, તેઓ પણ હવે તેની અનિવાર્યતા સ્વીકારી રહ્યા છે. નાનાં સંગઠનો ટૂંકા સમયમાં વિખેરાઈ જાય છે, પરંતુ એકતા પરિષદના ‘પ્રકૃતિ મુક્તિ અને માનવ મુક્તિ’ના વિચારને આપણે આગળ વધારવો પડશે.
તેમણે ચેતવણી આપી હતી કે અત્યારે 12 વર્ષની નાની છોકરીઓમાં PCOD જેવી બીમારીઓ જોવા મળી રહી છે, જેના કારણે ભવિષ્યમાં માતૃત્વ ધારણ કરવાની શક્તિ ઓછી થઈ રહી છે. પુરુષોમાં પણ વ્યસન અને ખરાબ ખોરાકને કારણે પ્રજનન શક્તિ ઘટી રહી છે અને 45-50 વર્ષની ઉમરે લીવર-કિડની જેવી સમસ્યાઓ સર્જાય છે.
તેમણે સીધુ કહ્યું કે પાણીપુરી અને મંચુરિયન જેવા જંક ફૂડ તેમજ ખેતીમાં વપરાતા યુરિયા અને ડીએપી ખાતર આપણા શરીરને ભારે નુકશાન પોહચાડી રહ્યા છે ખેડૂતોને આગ્રહ કર્યો કે ભલે આર્થિક સ્થિતિ સુધારવા વધુ ઉત્પાદન કરો, પણ પોતાના ખાવા માટે તો પ્રાકૃતિક ખેતી અપનાવો. તેમણે પોતે ત્રણ વર્ષમાં બગડેલી જમીનને સુધારીને ઝેરમુક્ત ખેતીનું ઉદાહરણ પૂરું પાડયું છે.
ધર્મના નામે માંસ-મચ્છી જેવો પ્રોટીનયુક્ત પરંપરાગત ખોરાક છોડાવવા સામે પણ તેમણે અવાજ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે આદિવાસીઓ પાસે ડ્રાયફૂટ્સ ખરીદવાના પૈસા નથી. પરંપરાગત ખોરાક બંધ થવાથી વિટામિન B12 ની ઉણપ સર્જાય છે, જે શરીરને નબળું પાડે છે. અંતે તેમણે સ્પષ્ટ કર્યું કે જો આદિવાસી સમાજ સશક્ત નહીં હોય અને બિમારીઓમાં સપડાયેલો રહેશે, તો તે પોતાના હક અને અધિકાર માટે લડાઈ લડી શકશે નહીં. સિકલ સેલ અને અન્ય ગંભીર બીમારીઓ સામે લડવા માટે ફરીથી પ્રકૃતિ સાથે જોડાવું અને શુદ્ધ ખોરાક અપનાવવો એ જ એકમાત્ર વિકલ્પ છે.










