મધ્યપ્રદેશ: 33 માં આદિવાસી સાંસ્કૃતિક મહાસંમેલનમાં સાંસદ રાજકુમાર રોતે આદિવાસી સમાજના પ્રશ્નો અને ભવિષ્યની રણનીતિ પર આક્રમક અને ભાવુક મંતવ્યો લોકો સમક્ષ મુક્યા તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, આદિવાસી સમાજ આ દેશનો મૂળ માલિક હોવા છતાં, આજે પોતાની જ જમીન પર ‘કાગળી અધિકારો’ મેળવવા માટે દર-દર ભટકી રહ્યો છે.

સંઘર્ષ એ આદિવાસી સમાજની ઓળખ છે. જન્મથી લઈને આજ સુધી, મેં જોયું છે કે આદિવાસી હોવું એટલે સતત લડતા રહેવું. આ લડાઈ માત્ર વ્યક્તિગત નથી, પણ આપણા જળ, જંગલ અને જમીનને બચાવવાની સામૂહિક લડાઈ છે. આજે દેશમાં કરોડો આદિવાસીઓ વન અધિકાર અધિનિયમ (FRA) હેઠળ પોતાની જ જમીન માટે ‘કાગળ’ માંગી રહ્યા છે. જે ધરતી પર આપણા બાપ-દાદાઓએ કુવા ખોદ્યા, ખેતી કરી અને વસવાટ કર્યો, ત્યાં આજે સરકાર પુરાવા માંગે છે.

ઈસરો (ISRO) ના સેટેલાઈટ આખી દુનિયા જોઈ શકે છે, પણ શું આ સેટેલાઈટને જંગલમાં રહેતા આદિવાસીઓની ઝૂંપડીઓ નથી દેખાતી? 25 લાખથી વધુ વન અધિકારના દાવાઓ આજે પણ પેન્ડિંગ છે. આ માત્ર આંકડા નથી, પણ કરોડો લોકોના જીવનનો પ્રશ્ન છે. 2011 ની વસ્તી ગણતરીમુજબ દેશમાં આશરે 10.43 કરોડ આદિવાસીઓ નોંધાયેલા છે, પરંતુ વાસ્તવિક્તામાં આ સંખ્યા ઘણી મોટી છે. સંસદમાં બજેટ જેવા કાયદાઓ તરત પસાર થઈ જાય છે, પરંતુ આદિવાસીઓના હિત માટેના ‘પૈસા’ જેવા કાયદાઓ દાયકાઓથી પેન્ડિંગ છે. શહેરી વિસ્તારોમાં રહેતા આદિવાસીઓને આજે ‘દબાણકર્તા’ તરીકે જોવામાં આવે છે. શું આ લોકશાહી છે ?

જ્યારે આપણે ‘એક તીર, એક કમાન’ કહીએ છીએ, ત્યારે આપણે છત્તીસગઢ અનેઝારખંડના ભાઈ-બહેનોની પીડાને પણ સમજવી પડશે. નક્સલવાદના નામે નિર્દોષ આદિવાસીઓ મરી રહ્યા છે. 14-15 વર્ષની બાળકીઓના હાથમાં હથિયાર ક્યાંથી આવે છે ? તે હથિયાર આપનારા ઉદ્યોગપતિઓ અને રાજકારણીઓ કોણ છે ? આ પ્રશ્ન આપણે સરકારને પૂછવો જ પડશે.

આદિવાસી સમાજ ભોળો છે, અને આ ભોળપણનો ફાયદો ઘણીવાર રાજકીય પક્ષો ઉઠાવે છે. સામાજિક આંદોલનોમાંથી નીકળેલા નેતાઓને ખરીદવાના પ્રયાસો થાય છે. “જે દિવસે મારી કથની અને કરણીમાં તફાવત આવશે, તે દિવસે સમાજે મારી વાત પણ ન સાંભળવી જોઈએ.” નેતા કે સંગઠન એવું હોવું જોઈએ જે સમાજ સાથે દગો ન કરે. સમાજ વર્ષોથી વ્યક્તિઓ અને સંગઠનો દ્વારા છેતરાયો છે, હવે આપણે વિવેકશીલ બનવાની જરૂર છે. કાગળના અધિકારો મેળવવા માટે પ્રથમ પેઢીએ શિક્ષિત થવું અનિવાર્ય છે. આપણે સરકારના ભરોસે રહેવાને બદલે સરકારને આપણા ભરોસે રહેતી કરવી પડશે. કોઈ હિન્દુ, કોઈ ખ્રિસ્તી કે કોઈ બૌદ્ધમાં વહેંચાયા વગર, સૌ પ્રથમ આપણે ‘આદિવાસી’ તરીકે એક થવું પડશે. સંઘર્ષ લાંબો છે, પણ અશક્ય નથી. સંસદમાં મોડા વાગ્યા સુધી હું તમારી અવાજ બનીને બેસું છું, કારણ કે મને તમારામાં વિશ્વાસ છે. આદિવાસી એકતા પરિષદનું આ કારવું વધવું જોઈએ અને આપણી નીતિ સાચી હોવી જોઈએ.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here