પાલનપુર: પાલનપુર પાસે લોકનિકેતન ખાતે યોજાયેલા કિસાન સ્વરાજ સંમેલનમાં 12 રાજ્યોના ખેડૂત સંગઠનોના આશરે 550 કિસાનો ભાગ લઈ રહ્યા છે. તેમાં વિવિધ વિષયો વિશે યોજાયેલી સમાંતર સભાઓમાંની મુક્ત વ્યાપાર સમજૂતીઓ વિશેની એક સભામાં આપેલા વ્યાખ્યાનના મુખ્ય મુદ્દા આ રહ્યા:
(1) ભારત સરકારે RCEP નામના ૧૫ દેશોના સંગઠન સાથે મુક્ત વ્યાપાર સમજૂતી દેશમાં ભારે વિરોધ થવાને લીધે નહીં કરીને એવો દેખાવ કર્યો હતો કે તે દેશના ખેડૂતોનાં હિતોને જોખમમાં નહીં મૂકે. પરંતુ હકીકતમાં સરકાર જુદા જુદા દેશો અને તેમનાં જૂથો સાથે અલગ અલગ રીતે મુક્ત વ્યાપાર સમજૂતીઓ કરી રહી છે અને તેથી કિસાનોનું હિત જોખમાયું છે.
(2) સરકારે જાપાન, દક્ષિણ કોરિયા, મોરિશિયસ, સંયુક્ત આરબ અમીરાત, ઓસ્ટ્રેલિયા, યુકે અને ન્યૂ ઝીલેન્ડ સાથે તેમ જ EFTA અને ASEAN જેવાં જૂથો સાથે મુક્ત વ્યાપાર કરારો કરીને દેશમાં ત્યાંથી સસ્તી ખેત પેદાશોની આયાત થાય તેનો રસ્તો ખુલ્લો કર્યો છે.
(3) મુક્ત વ્યાપાર સમજૂતી જેની સાથે થાય તે દેશ અને ભારત વચ્ચે આયાત ઉપર કશી જકાત એટલે કે વેરો લાગે જ નહીં. એ રીતે ભારતમાં સસ્તી વિદેશી ખેત પેદાશો આવે. જેમ કે, ગયા જુલાઈ મહિનામાં બ્રિટન સાથે જે મુક્ત વ્યાપાર સમજૂતી (FTA) થઈ છે તેમાં 90 ટકા જેટલી આયાતી ચીજો પર ભારત સરકાર કોઈ જકાત નાખશે નહીં. એટલે અંગ્રેજોની એ ચીજો ભારતમાં સસ્તી આવશે. આને આત્મનિર્ભરતા કેવી રીતે કહેવાય?
(4) આ સમજૂતીઓમાં આયાત કે નિકાસનો જથ્થો સરકારો નક્કી ન કરે એવી પણ જોગવાઈ હોય છે. એટલે ભારતમાં વિદેશમાંથી ગમે તેટલી આયાત થઈ શકે છે.
(5) WTO ની સ્થાપના 1995માં થઈ ત્યારે તેમાં જે કૃષિ સમજૂતી થયેલી તેમાં ધનવાન દેશો તેમના ખેડૂતોને જે સબસિડી આપે છે તે ઘટાડવા માટે જોગવાઈ હતી. પણ હવે આ મુક્ત વ્યાપાર સમજૂતીઓમાં આવી કોઈ વાત હોતી જ નથી.
(6) ધનવાન દેશો તેમના ખેડૂતોને ઢગલો સબસિડી આપે છે. જેમ કે, અમેરિકા તેના એક ખેડૂતને સરેરાશ વાર્ષિક ૪૬ લાખ રૂપિયાની સબસિડી આપે છે! અને ભારતમાં એક ખેડૂતને સરેરાશ વાર્ષિક ₹ 20,000ની સબસિડી માંડ મળે છે અને તેને નરેન્દ્ર મોદી “રેવડી” કહે છે. આ તો ગરીબોનું અપમાન કહેવાય.
(7) આવા વ્યાપાર કરારો કરવા પાછળ એક દલીલ એવી છે કે ખેડૂતો વચ્ચે હરીફાઈ થાય તો ફાયદો થાય. પણ સવાલ એ છે કે મારી અને દારાસિંહ વચ્ચે કુસ્તીની હરીફાઈ થાય તો હું હારી જાઉં એ તો સ્પર્ધા શરૂ થાય તે પહેલાં જ નક્કી થઈ જાય છે.
(8) અમેરિકામાં એક ખેતરનું સરેરાશ કદ 440 એકર છે અને ભારતમાં 12 કરોડ ખેડૂતોમાંથી ૯૨ ટકા ખેડૂતો પાસે પાંચ એકર કરતાં ઓછી જમીન છે. આ બે વચ્ચે હરીફાઈ થાય તો ફાયદો થાય કોને એ સહેજે સમજી શકાય તેમ છે.
(9) મોદી સરકાર આવી સમજૂતીઓ કરતી વખતે વિદેશી દબાણ આગળ ઝૂકી જાય છે અને તેથી ખેડૂતોને ભારે નુકસાન થયું છે અને હજુ વધુ થઈ શકે છે. કોને કેટલી સબસિડી આપવી એ તો ભારત સરકારે પોતે નક્કી કરવાનું છે. પણ વિદેશી દબાણ આગળ ઝૂકી જઈને મોદી સરકાર ભારતના સાર્વભૌમત્વને ખાડામાં નાખી રહી છે. મોદી સરકાર ધનવાન દેશોને સબસિડી ઘટાડવાનું કહેતી નથી અને પોતે ખેડૂતોને આપવામાં આવતી સબસિડી ઘટાડે છે!
(10) ભારતના બંધારણમાં આમુખમાં ભારત સાર્વભૌમ દેશ છે અને રહેશે એમ લખેલું છે, પણ મોદી સરકારે મુક્ત વ્યાપાર સમજૂતીઓ કરીને આ સાર્વભૌમત્વને ઘસી નાખ્યું છે.
(11) ભારત સરકાર અને રાજ્ય સરકારો સજીવ ખેતીનું ઢોલ બહુ પીટે છે પણ હકીકતમાં તેઓ એને માટે તેમના બજેટમાં એક ટકાના હજારમા ભાગ જેટલું પણ ખર્ચ કરતી નથી.
(12) દેશની ખેતી ગુલામી તરફ આગળ વધી રહીંછે કારણ કે મહાકાય વિદેશી કંપનીઓ બિયારણ, દવાઓ અને ખાતરો પર ઇજારા ધરાવે છે અને મોદી સરકાર તેમને નમી નમીને ફાયદા કરાવી આપે છે.
BY: પ્રો. હેમંતકુમાર શાહ











