વલસાડ: સમસ્ત બાવીસા કુળ પરિવારનું સંમેલન વલસાડ તાલુકાના કાજણરણછોડ ખાતે બાવીસા પરિવારના ધારાસભ્ય અને ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ અરવિંદભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયું હતું. પરિવારના આગેવાનો દ્વારા તેમનું શાલ ઓઢાડીને વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને લગ્ન જેવા પ્રસંગોમાં ડીજેના સ્થાને આદિવાસીઓના પારંપારિક વાદ્યો, તેમજ મરણ પ્રસંગ કે બારમા વિધિઓમાં ખોટા ખર્ચાઓ બંધ કરી, સમાજના હિત માટે સૌને આગળ આવવા વિશેષ વિચારણાઓ કરવામાં આવી હતી.
આ અવસરે ધારાસભ્ય અરિવંદભાઇ પટેલ સહિત મહાનુભાવોના હસ્તે બાવીસા પરિવારના નવી સરકારી નોકરી મેળવનારાઓનું શાલ ઓઢાડી સન્માન અને ધોરણ-`10 અને 12 માં 60 ટકાથી વધુ માર્કસ મેળવનારા વિદ્યાથીઓનું પુરસ્કાર તેમજ પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા. નાની દિકરી માહીએ દિકરી દીલનો દરિયો વિષે અનોખું વકતવ્ય આપ્યું હતું. આદિવાસી પરંપરા અનુસાર તુર-થાળીના તાલે સૌ મહેમાનોનું સ્વાગત કરાયું હતું. ધારાસભ્યે જણાવ્યું હતું કે, સમાજે આગળ આવવું હોય તો શિક્ષણ ખુબ જ જરૂરી છે. આપણે દઢ નિશ્વય કરીએ આ બધુ શકય છે. સમાજે વ્યસનનોને તિલાજંલિ આપી, યુવા પેઢી સ્વબળે આગળ આવે તેવી સ્થિતિનું નિર્માણ કરવાનું છે. યુવાનોને શિક્ષણ સાથે સંસ્કાર આપીને સમાજને આગળ લાવવાનો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, નાયબ મુખ્ય મંત્રી હર્ષભાઇ સંઘવીના માર્ગદર્શન હેઠળ અનેક યોજનાઓ અમલી છે. આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે સરકાર કટિબદ્વ છે. આદિવાસી યુવક-યુવતીઓ માટે ફ્રીશીપ કાર્ડ, વિદેશ અભ્યાસ કે પાયલોટ બનાવા માટે પણ સરકાર સહાય આપે છે. આપણે પણ તેનો લાભ લેવો જોઇએ. ધારાસભ્યે સમાજના તમામ કાર્યોમાં સહકાર આપવાની ખાતરી આપી હતી.
કાર્યપાલક ઇજનેર મનિષભાઇ પટેલે જણાવ્યું હતું કે, આપણા સમાજમાં પરિવર્તન લાવવા સૌને જાગૃત બનવું પડશે. અનેક દુષણો પ્રર્વતે છે. તેને નિવારવા આપણે જાગૃતતા કેળવવી પડશે. આપણા પરિવારને આગળ લાવવા શિક્ષણ થી લઇને વિવિધ ક્ષેત્રે આગળ આવે તેવા પ્રયાસો કરીએ.
સહાયક માહિતી નિયામક ઉમેશ બાવીસાએ આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરવા સૌને અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, આપણી આદિવાસીઓની ઓળખ જીવંત રાખવી હશે તો, આપણા વાદ્યો, પહેરવેશ જાળવી રાખવો પડશે.આપણી યુવા પેઢી આપણા દેવી-દેવતા વિશેષ જાણે. શિક્ષણ સાથે આપણી સંસ્કૃતિનું પણ જતન કરીએ. તેમણે રાજય સરકારની વિવિધ યોજનાઓની જાણકારી મેળવવા “મારી યોજના પોર્ટલ” જોવા અનુરોધ કર્યો હતો. સીઆરસી કો-ઓર્ડિનેટર અને અધ્યક્ષ અખિલ ભારતીય રાષ્ટ્રીય મહાસંઘ વલસાડ શૈલેષભાઇ પટેલે સમાજને શિક્ષણ પ્રત્યે જાગૃત બનવા આહવાન કર્યું હતું. તેમણે જણાવ્યું કે, શિક્ષણ સમાજ પરિવર્તન માટે ખુબ મોટું પરિબળ છે. જે વધુ શિક્ષિત હશે એની અલગ છાપ ઉભી થશે. વિચારોમાં પરિવર્તન આવશે, જેના થકી સમાજમાં પરિવર્તન આવશે. સમાજને ઉન્નતિના માર્ગે લઇ જવું હોય તો શિક્ષણ આવશ્યક છે.
નિવૃત બેંક મેનેજર કાંતિભાઇ પટેલે શિક્ષણ ક્ષેત્રે પ્રાધાન્ય આપી, યુવાનોને આગળ આવવા જણાવયું હતું. સમાજના આગેવાન ઉમેદભાઇ પટેલે દિશા ફાઉન્ડેશન દ્વારા આદિવાસી યુવાનો માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ તેમજ અન્ય રચનાત્મક કાર્યક્રમોની રૂપરેખા આપી હતી. નિવૃત શિક્ષણ અધિકારી રમેશભાઇ પટેલે પણ સમાજ ઉપયોગી પ્રવચન કર્યું હતું. અજીતભાઇ પટેલે સમગ્ર કાર્યક્રમનું આયોજન કર્યું હતું. કાજણરણછોડના સરપંચ સુનિલભાઇ સહિત સંમેલનમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો, યુવાનો, મહિલાઓ જોડાયા હતા.











