ખેરગામ: ખેરગામના બાવળી ફળીયા પ્રાથમિક શાળા એક જ મહિલા શિક્ષકના ભરોસે ચાલતી હોવાની વાત દિપક પટેલ નામના આગેવાનને ધ્યાને આવતા તેમણે સોસીયલ મીડિયામાં મેટર પ્રસિદ્ધ કરતા સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લા પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ પટેલની ટીમના સભ્યોએ પત્રકાર સાથે મુલાકાત લેતા શાળામાં એક જ શિક્ષિકા હોવાને લીધે ઘણી તકલીફો હોવાની વાત જાણવા મળી હતી.
આ બાબતે Decision News સાથેની વાતચીતમા ડો.નિરવ ભુલાભાઇ પટેલે જણાવ્યું હતું કે એક બાજુ સરકાર ભણશે ગુજરાત તો આગળ વધશે ગુજરાત ની ગુલાબી વાતો કરે છે જયારે આદિવાસી વિસ્તારોમાં કેટલીય આંગણવાડી,શાળાઓના પોતાના મકાનો જ નથી અને જયાં પોતાના મકાનો છે ત્યાં આવી રીતે શિક્ષકો નથી અથવા એમાંથી કેટલાય મકાનો જોખમી છે.ખેરગામના બાવળી ફળીયા પ્રાથમિક શાળામાં એક જ મહિલા શિક્ષિકા ઉપલબ્ધ છે તે મહિલા શિક્ષિકા સરકાર દ્વારા વારંવાર સોંપવામાં આવતી એસઆઈઆર સહિતની અનેક ઈતર પ્રવૃતિઓ કરશે કે બાલવાટિકાથી લઈને 5 ધોરણ સુધીના વિદ્યાર્થીઓનું શિક્ષણકાર્ય કરશે તે મોટો પ્રશ્ન છે.શિક્ષિકાએ ઇમરજન્સી કારણોસર રજા પાડવાની કે સરકારી કચેરીઓમાં જવાનું થયું તો આવડા નાના બાળકોની સુરક્ષાનું શું?એક નિવૃત શિક્ષક થોડા સમયથી બાળકોના શિક્ષણકાર્યમા મદદરૂપ થવા માટે આવતા હોવાની વાતો બાળકોએ ગ્રાઉન્ડ લેવલે પરિસ્થિતિનો તાગ મેળવવા ગયેલા અમારી ટીમના સભ્યો સમક્ષ જણાવી હતી,પરંતુ કોઈપણ જાતની જવાબદારી વગર એ નિવૃત શિક્ષક પણ ક્યાંસુધી પોતાની સેવાઓ આપશે?જિલ્લા શિક્ષણાધિકારી અને સંલગ્ન અધિકારીઓએ આ બાબત ગંભીરતાથી લઇ તાત્કાલિક અન્ય શિક્ષકોની નિમણુંક કરી દેવી જોઈએ એ જ અમારી માંગ છે.
વધુમાં જોઈએ તો ખેરગામ તાલુકો બન્યાને 11 વર્ષ થવા છતાં પણ નર્કની યાતના જેવી દુર્ગંધ સાથે ઉભરાતી બજારના ગટરોનો પ્રશ્ન,બસ સ્ટેન્ડની સુવિધા, સર્કિટ હાઉસ, એપીએમસી સહીત અનેક પાયાની સુવિધાઓની અછત બાબતે વખતો વખત રજૂઆત કરવા છતાં તંત્ર વર્ષો પછી પણ આદિવાસી તાલુકાના પ્રાણપ્રશ્નોનું નિરાકરણ લાવી શક્યું નથી.











