ધરમપુર: આજરોજ ધરમપુર તાલુકામાં આવેલી મોટીઢોલડુંગરી પ્રાથમિક શાળામાં આજે એક પ્રેરણાદાયી ઘટના બની છે. એક ગુપ્ત દાતાશ્રીએ નિ:સ્વાર્થ ભાવે શાળાને 4 કોમ્પ્યુટર અને આશ્રમ શાળાને 1 કોમ્પ્યુટરનું વિનામૂલ્યે દાન આપી માનવતાની મહેક પ્રસરાવી છે.
આ દાન ગ્રામીણ વિસ્તારના બાળકો માટે ડિજિટલ શિક્ષણના નવા દ્વાર ખોલશે. આધુનિક ટેક્નોલોજીની મદદથી બાળકોને ઓનલાઈન શિક્ષણ, ઈ-લર્નિંગ અને વિશ્વના જ્ઞાનની સુલભ ઍક્સેસ મળશે, જે તેમના ભવિષ્યને વધુ ઉજ્જવળ બનાવશે. આ દાનના કાર્યક્રમમાં ધરમપુર તાલુકા પંચાયતના અપક્ષ સભ્યશ્રી કલ્પેશભાઈ, ડેપ્યુટી સરપંચશ્રી વિલિયમ પટેલ, તલાટી કમ મંત્રી શ્રીમતી ઉષાબેન, ગ્રામ સેવક શ્રીમતી અંકિતાબેન, સભ્યશ્રી મગનભાઈ, ઉમેદભાઈ, જયેશભાઈ તથા શાળા પરિવાર અને S.M.C.ના સભ્યોની ઉપસ્થિતિમાં કોમ્પ્યુટરોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
શાળા પરિવાર, ગ્રામજનો અને તાલુકા પંચાયત વતી ગુપ્ત દાતા અને તેમની જનેતાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. દાતા પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરતાં કહેવાયું કે, “આવા નિ:સ્વાર્થ કાર્યથી જ સમાજમાં સકારાત્મક ફેરફાર આવે છે.” ઈશ્વર આ દાતા શ્રીને દીર્ઘ આયુષ્ય, સુસ્થ સ્વાસ્થ્ય અને સુખ-સમૃદ્ધિ આપે એવી પ્રાર્થના સૌએ કરી છે. આ ઘટના દર્શાવે છે કે ગુપ્ત દાનની પરંપરા આજે પણ જીવંત છે અને તે ગ્રામીણ શિક્ષણને મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.











