વલસાડ: આજરોજ જાન્યુઆરીના દિવસે સરકારી પોલીટેક્નીક વલસાડમાં સરકારી આયુર્વેદિક હોસ્પિટલ, તિથલના સહયોગ થી સંસ્થાના વિદ્યાર્થી અને સ્ટાફ માટે આયુર્વેદ ચિકિત્સા કેમ્પ સંસ્થાના આચાર્ય શ્રીમતિ રીંકુ શુક્લાના અધ્યક્ષ સ્થાને યોજાઇ ગયો.
ડૉ ધર્મિષ્ઠા પટેલ દ્વારા આ પ્રસંગે ઉપસ્થિત કુમાર અને કન્યા છાત્રાલયના વિદ્યાર્થીઓને જણાવેલ કે સુખી જીવન ઉત્તમ સ્વાસ્થ્ય પર નિર્ભર કરે છે. સ્વસ્થ અને સુખી રહેવા માટે આવશ્યક છે કે શરીરમાં કોઈ વિકાર ન હોય અને જો વિકાર થઇ જાય તો એને તરત જ દૂર કરવામાં આવે. આયુર્વેદનું મુખ્ય લક્ષ્ય વ્યક્તિ કે સ્વાસ્થ્યનું રક્ષણ તેમ જ રોગીઓના વિકારનું શમન કરવાનું છે. વલસાડ જિલ્લામાં આવેલ ૨૫ જેટલા સરકારી આયુષ દવાખાના અને રાજ્ય વ્યાપી સરકારી સગવડ અંગેની વિગતવાર માહિતી પણ આપવામાં આવેલ.
સંસ્થાના રેક્ટર ડૉ. અમિત ધનેશ્વરે આ પ્રસંગે ઉદબોધનમાં જણાવેલ કે આયુર્વેદ અન્ય ચિકિત્સા પદ્ધતિની જેમ એક ચિકિત્સા પદ્ધતિ માત્ર નહી, પરંતુ સમ્પૂર્ણ આયુષ્યનું જ્ઞાન છે. અને તેને જીવન શૈલી બનાવવાથી અવશ્ય લાભ થાય છે.
હાલમાં બદલાતી ઋતુ અને હવામાનના દૈનિક ફેરફારમાં સર્વેની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય અને સીઝનલ બિમારી સામે રક્ષણ મલી રહે તે માટે ઉપસ્થિત સર્વેને ઇમ્યુનીટી બુસ્ટર ડોઝની ગોળીઓનું વિનામુલ્યે વિતરણ કરવામાં આવેલ. સદર કેમ્પમાં ૮૪ જેટલા લોકોએ તત્કાલ રોગ નિદાન અને તે માટેની દવાઓ પણ મેળવીને કાર્યક્રમને બહોળો પ્રતિસાદ આપેલ. કુ. કે. બી. પટેલ અને શ્રીમતિ હેતલ બહેનના સંચાલનમાં સંસ્થાના તમામ સ્ટાફ અને વિદ્યાર્થીગણએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.











