ધરમપુર: વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના કરંજવેરી પીર ફળિયા ખાતે તારીખ 9 જાન્યુઆરી 2026ના રોજ સવારે 10:30 વાગ્યે ધરમપુરના લોકલાડીલા ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલના હસ્તે 2-બોક્સ સ્ટ્રક્ચરવાળા માઇનોર બ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

Decision News ને મળેલી જાણકારી મુજબ આ બ્રિજના નિર્માણથી ચોમાસા દરમિયાન આરોગ્ય, શિક્ષણ તથા અન્ય આકસ્મિક અવરજવરની સમસ્યા સંપૂર્ણ પણે દૂર થશે અને ફળિયાના ખેડૂત મિત્રો માટે પણ સરળ અવરજવર શક્ય બનશે. ઉલ્લેખનીય છે કે ગત ચોમાસા દરમિયાન આરોગ્ય કર્મચારીઓએ મુશ્કેલીઓની જાણ વીડિયો દ્વારા કરી હતી. આ અંગે શ્રી ઉત્તમભાઈ ચૌરાજી અને શ્રી કીર્તિ ગાંવિત દ્વારા વિશેષ રજૂઆત કરવામાં આવી હતી. માનનીય ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલે આ વીડિયો જોઈને તાત્કાલિક પગલાં લીધાં અને અગાઉના સ્ટ્રક્ચરને બદલે બોક્સ સ્ટ્રક્ચરવાળો માઇનોર બ્રિજ મંજૂર કરાવ્યો, જેથી મોટા પાણીના પ્રવાહને કોઈ અવરોધ ન પહોંચે. આ પ્રજાલક્ષી નિર્ણય અને ઝડપી કાર્યવાહી માટે ધારાસભ્યશ્રીની કુનેહને ગ્રામજનો દ્વારા ધન્યવાદ આપવામાં આવી રહ્યો છે.

આ કાર્યક્રમમાં શ્રી ગણેશભાઈ બિરારી, શ્રી નવીનભાઈ ભોયા, ગામના સરપંચ શ્રીમતી અનિતાબેન પાડવી, ગ્રામ પંચાયતના સભ્યો, ગ્રામ અગ્રણીઓ, વડીલો, યુવાનો, બહેનો તેમજ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.