વાંસદા: રવાણિયા ગામમાં પરિવાર સાથે રહેતી 14 વર્ષની સગીરા જ્યારે લઘુશંકા કરવા નીકળી હતી ત્યારે ઘરના આંગણામાંથી ઊચકી આઠ નરાધમોએ સામૂહિક બળાત્કાર કર્યાની ઘટના વાંસદા પોલીસના ચોપડે નોંધાઈ છે જેને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.
Decision News ને પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ વાંસદા તાલુકાના રવાણીયા ગામની એક 14 વર્ષીય સગીરા (પિંકી) નામ બદલ્યું છે તે 7 જાન્યુઆરી તારીખે રાત્રિના 10 વાગ્યાની આસપાસ ઘરની બહાર લઘુશંકા કરવા નીકળી ત્યારે આ સમયે ઘરની બહાર ટાંપીને બેઠેલા ત્રણ અજાણ્યા શખ્સોએ તેનું મોઢું દબાવી દીધું હતું અનેબળજબરીપૂર્વક મોટરસાયકલ પર બેસાડી, નજીકના ચેકડેમ પાસે લઈ ગયા હતા. ત્યાં પહોંચ્યા બાદ આરોપીઓએ ફોન કરી પીયુષ નામના શખ્સને ફોરવ્હીલ ગાડી લઈને બોલાવ્યો હતો. ચેકડેમ પાસે સગીરાના ભાઈના મિત્રો આદિત્ય અને નિખીલ પણ હાજર હતા. ત્યારબાદ, આ તમામ આઠ શખ્સો સગીરાને ફોરવ્હીલ અને મોટરસાયકલ દ્વારા પીપલખેડ ગામની પાણીની ટાંકી પાસે આવેલી એક રૂમમાં લઈ ગયા હતા. રૂમમાં લઈ ગયા બાદ આ નરાધમોએ તેને કપડાંઉતારવા દબાણ કર્યું હતું. સગીરાએ પ્રતિકાર કરતા આરોપીઓએ તેને દીવાલ સાથે માથું ભટકાવીને ધમકી આપી હતી કે, “જો તું અમારી વાત નહીં માને અને અમારી સાથે શરીર સંબંધ નહીં બાંધે તો અમે તને પતાવી દઈશું.”ગભરાયેલી સગીરા પર ત્યારબાદ આદિત્ય, નિખીલ, પીયુષ, ઉદય, સાહીલ, રવિન્દ્ર, આકાશ અને રાહુલ નામના આઠેય નરાધમોએ વારાફરતી બળજબરીપૂર્વક સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું.
આ નરક યાતના બાદ સગીરા વહેલી સવારે 3:00 વાગ્યે ઘરે આવી અને ઘરનો દરવાજો બંધ હોવાથી ઘરની બહાર પાર્ક કરેલી વાનમાં સુઈ ગઈ. વહેલી સવારે 5:30 વાગ્યે પિતા જાગતા પિંકીએ રાત્રે બનેલી આખી ઘટના પિતાને કહેતા આ ઘટના પ્રકાશમાં આવી હતી. બાદમાં માતાએ વાંસદા પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે આઠેય આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની ગંભીર કલમો અને પોક્સો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. વાંસદાપોલીસે હાલ ફરાર આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળ્યું છે.











