વલસાડ-ફલધરા : વિસરાતી સંસ્કૃતિ, કળા, ભોજન અને રમતને પુનઃયાદ કરીને એને નવી પેઢી સુધી પહોંચાડવાના એક અનોખા પ્રયત્નના ભાગરૂપે “આદિવાસી આંગણે”ના નામે એક ભવ્ય મેળો આગામી રવિવાર તારીખ 11 જાન્યુઆરી 2026 ના રોજ વલસાડના ફલધરાના પુરણેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં સમાજસેવી ડૉક્ટર હેમંત પટેલ અને સમસ્ત ફલધરા ગામવાસીઓ દ્વારા આયોજન થયું છે.
આ અનોખા મેળામાં દક્ષિણ ગુજરાતમાં વસતા આદિવાસી સમાજના વિવિધ લોકગીત, લોકધૂન, લોકનૃત્યની જાણીતી મંડળીઓ હાજર રહેશે. આદિવાસી સમાજના જાણીતા સોશિયલ મીડિયા ઇન્ફલ્યુએન્સર, યુટ્યુબર પણ મનોરંજનની સાથે સમાજ ઉપયોગી સંદેશ લોકોને આપશે.
આ કાર્યક્રમના મુખ્ય આયોજક ધરમપુરના જાણીતા તબીબ અને ફલધરાના રહીશ, જાણીતા સમાજસેવી ડૉ. હેમંત પટેલએ આજે Decision News સાથે વાત કરતાં જણાવ્યું કે પ્રવર્તમાન સમયમાં બીજા સમાજની જેમ અમારો આદિવાસી સમાજ પણ બદલાઈ રહ્યો છે. પણ અમારા મૂળ અમારી પરંપરા હજી પણ ખૂણે-ખૂણે જીવે છે. નવી પેઢી પાસે સોશિયલ મીડિયા છે તો અમારી જૂની પેઢી પાસે સમાજની સમજ છે. બે પેઢીને એક મંચ પર લાવીને જૂન સાથે નવાનું જોડાણ કરવા માટે જ અમે સમગ્ર ફલધરાના ગામવાસી અને આસપાસના ગામના અનેક લોકોએ એક આંગણું સજાવ્યું છે. આ “આદિવાસી આંગણું” એ આદિવાસી લોકસંસ્કૃતિને એક વિશેષ આંગણું બની રહેશે. આ શરૂઆત છે અને ગામના વડીલોના માર્ગદર્શન સાથે અમે દરવર્ષે આયોજન કરીને આ આયોજનને પરંપરા બનાવીશું. રવિવાર તારીખ 11 જાન્યુઆરીની સાંજે 6:30 વાગ્યે આ અનોખા અવસરમાં સહભાગી થવા માટે સૌને જાહેર આમંત્રણ છે.
લોકગીત – લોકનૃત્ય
ફલધરાના પુરણેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં બનેલા “આદિવાસી આંગણે” માદળ નૃત્ય, ઘેરીયા, તારપા નાચ, લગ્નગીત, ઠાકર્યા નૃત્ય, ઢોલ નાચ, માવલી માતાની પૂજા અને તુર હરીફાઈ જેવા પરંપરાગત લોકનૃત્યોની રજૂઆત પરંપરાગત કલાકારો દ્વારા જ થશે.
‘આદિવાસી આંગણે’ આવનાર બાળકો પણ પોતાના મૂળ સાથે જોડાયેલા રહે માટે એમના મનોરંજનનો પણ ખ્યાલ રાખીને એમના માટે પરંપરાગત રમતો જેવી કે, લંગડી, પથરા, લખોટી-લખોટા, ગિલ્લી દંડા, કુંદાણિયું, સાત ઠીકરી, ચોસર, મુળી જેવી રમત રમાડવામાં આવશે.
આદિવાસી આંગણે એક ખૂણામાં આદિવાસીના પારંપરિક ભોજન વાનગીના વિશેષ સ્ટોલ લગાડવામાં આવશે. આ પરંપરાગત વાનગીઓનું આરોગ્યપ્રદ પણ એટલી જ છે. પહેલાના વડીલો આ વાનગીઓ ખાઈને મજબૂત અને ખડતલ હતા અને લાંબુ અને સ્વસ્થ જીવન જીવતા હતા. પરંપરાગત વાનગીના સ્ટોલ લગાડનાર આદિવસી બહેનોને પરંપરાને પુનર્જીવિત કરીને આવક પણ મેળવી શકશે. હવે બહુ ઓછું ખવાય છે એવી આદિવાસી વાનગીઓ પાનેલા, પીઠયું, રસિયું, પેજવું – ચટણી, વાલનું શાક અને ચોખાના રોટલા, આંબિલ ભુજ્યુ નાગલીના રોટલા, મહુડાના ફૂલનું સૂપ, ગોળ-આંબલીનું સરબત, બૂરુંની ચા
નવી પેઢીના આદિવાસી સોશિયલ મીડિયા ઇનલયુએન્સર યુટ્યુબર પણ મોટી સંખ્યામાં હાજર રહેશે અને એ પોતાની કળા અને મનોરંજક પ્રસ્તુતિ દ્વારા સમાજ જાગૃતિના સંદેશ આપશે. એમાં અંધશ્રદ્ધા, વ્યસન મુક્તિ, આરોગ્ય, સામાજિક દુષણો જેવા કે વધુ ખર્ચા, મારામારી, આત્મહત્યા, છૂટાછેડા જેવા વિષયો અંગે જાગૃતિના સંદેશા આપશે.











