મધ્યપ્રદેશ: વર્તમાન સમયમાં મધ્યપ્રદેશના ડિંડોરી જિલ્લાના 28 વર્ષીય આદિવાસી બૈગા ખેડૂત, લહરી બાઈએ 150 થી વધુ દુર્લભ અને સ્વદેશી મિલેટ્સની જાતોની પોતાની ‘સીડ બેંક’ બનાવી છે તેમના આ મહત્વપૂર્ણ યોગદાન બદલ 2024માં ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ તેમને ‘પ્લાન્ટ જીનોમ સંરક્ષક કિસાન સન્માન’ થી સન્માનિત કર્યા છે.
Decision News એ મેળવેલ માહિતી મુજબ હાલમાં જ્યારે આધુનિક ખેતીએ પરંપરાગત પાકોને પાછળ છોડી દીધા હતા. એ સમયે લહરી બાઈએ દેશી ખેતી બચાવવાનું બીડું ઝડપ્યું હતું, તેમણે નક્કી કર્યું કે જે બીજ પેઢીઓથી આદિવાસી સમાજની ઓળખ રહ્યા છે, તેમને લુપ્ત થવા દેવામાં નહીં આવે. આ જ વિચાર સાથે લહરી બાઈએ 150 થી વધુ દુર્લભ અને સ્વદેશી મિલેટ્સની જાતોની પોતાની ‘સીડ બેંક’ તૈયાર કરી. જેમાં કોદો, ફુટકી, સાંવા, રાગી અને જુવાર જેવા પૌષ્ટિક અને બદલાતા હવામાનને સહન કરી શકે તેવા અનાજનો સમાવેશ થાય છે, જે એક સમયે આ વિસ્તારની ખેતીની કરોડરજ્જુ ગણાતા હતા.
લહરી બાઇ માત્ર બીજ સાચવીને નથી રાખતા, તેઓ આ બીજ સ્થાનિક ખેડૂતોને વહેંચે છે, જેથી દેશી પાકોની ખેતી ફરીથી ખેતરોમાં પરત આવી શકે અને ખેડૂતો મોંઘા બિયારણો પર નિર્ભર ન રહે. તેમના આ મહત્વપૂર્ણ યોગદાન બદલ 2024માં ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ તેમને ‘પ્લાન્ટ જીનોમ સંરક્ષક કિસાન સન્માન’ થી સન્માનિત કર્યા છે. આ બીજ અને કૃષિ વારસાને બચાવવા માટે આપવામાં આવતું સૌથી પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય સન્માન છે. આ પહેલા પ્રશંસા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તેમની આ પહેલની પ્રશંસા કરી ચૂક્યા છે. લહરી બાઇની વાર્તા માત્ર બીજ બચાવવાની નથી, આ ખેતર, ખેડૂત અને આવનારી પેઢીઓનું ભવિષ્ય બચાવવાની કહાની છે.









