દક્ષિણ ગુજરાત: આદિવાસી ઘડિયાળ : પ્રકૃતિ અને બ્રહ્માંડ સાથે તાલમેલનો સમયબોધ, આદિવાસી સમાજના ઘરોમાં એક અનોખી અને વૈચારિક ઘડિયાળ જોવા મળે છે — જમણેથી ડાબી તરફ ફરતી આદિવાસી ઘડિયાળ. આ ઘડિયાળ માત્ર સમય બતાવતું સાધન નથી, પરંતુ પ્રકૃતિ, વિજ્ઞાન અને બ્રહ્માંડ સાથેના ગાઢ સંબંધનું પ્રતીક છે.
આદિવાસી સમાજ આદિઅનાદી કાળથી, માનવ સંસ્કૃતિના આરંભથી જ, પ્રકૃતિ સાથે તાલમેલ સાધી જીવન જીવતો આવ્યો છે. આ સમાજ આજે પણ પોતાના પરંપરાગત જ્ઞાન અને દિશાબોધને ભૂલ્યો નથી. તેમના ઘણા કાર્યો, ચાલચાલન, ખેતી, વિધિઓ-જમણેથી ડાબી દિશામાં કરવામાં આવે છે.
પ્રકૃતિ અને વિજ્ઞાન આધારિત માન્યતા, આદિવાસીઓની વર્ષો જૂની માન્યતા મુજબ: પૃથ્વી પોતાની ધરી પર જમણેથી ડાબી તરફ ફરે છે. પૃથ્વી સહિતના ગ્રહો સૂર્યની આસપાસ પણ આ જ દિશામાં ગતિ કરે છે. વેલ અને લતા જેવા છોડ પણ જમણાથી ડાબી તરફ વધતા જોવા મળે છે. વિજ્ઞાન મુજબ ઇલેક્ટ્રોન અણુની આસપાસ જમણેથી ડાબી દિશામાં પરિભ્રમણ કરે છે.
આ તમામ પ્રાકૃતિક અને વૈજ્ઞાનિક ગતિઓને ધ્યાનમાં રાખીને આદિવાસી સમાજે પોતાની જીવનશૈલી ઘડી છે. જીવનમાં દિશાનો ઉપયોગ જમીન ખેડતી વખતે હળ જમણી તરફથી ચલાવવામાં આવે છે. હાથે ફેરવાતી અનાજ દળવાની ઘંટી પણ જમણી દિશાથી ફેરવાય છે. લગ્ન સમયે લેવાતા ફેરા પણ જમણેથી ડાબે લેવામાં આવે છે. આ દિશાને તેઓ સાચી અને કુદરતી દિશા માને છે. તેથી સાચો સમય જાણવા માટે પણ આદિવાસી સમાજમાં આ ઉંધી ફરતી ઘડિયાળનો ઉપયોગ થાય છે.
સંસ્કૃતિનો જીવંત વારસો
જો તમે કોઈ જાગૃત આદિવાસી વિસ્તારમાં જશો, તો તેમના ઘરમાં આવી ઘડિયાળ અવશ્ય જોવા મળશે. આ ઘડિયાળ સમય બતાવે છે એટલું જ નહીં, પરંતુ એ યાદ અપાવે છે કે માનવ અને પ્રકૃતિ વચ્ચેનો સંબંધ તૂટવો જોઈએ નહીં. આદિવાસી ઘડિયાળ એ માત્ર ઘડિયાળ નથી — તે જીવનદ્રષ્ટિ છે.
BY: સોશ્યલ મીડિયા પોસ્ટમાંથી..











