ખેરગામ: ગતરોજ ઢળતી સાંજે 4 થી 10 વાગ્યાના સમયગાળામાં ખેરગામ ખાતે આવેલી જાણીતી છાંયડો હોસ્પિટલમાં ગતરોજ એક ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ડૉક્ટર દંપતી ડૉ. નીરવ પટેલ અને ડૉ. દિવ્યાંગી પટેલ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ એક અનોખા સેવાકીય હેતુ સાથે આ કેમ્પ યોજાયો હતો.
આ કાર્યક્રમ ડૉક્ટર દંપતીના માતૃશ્રી સ્વ. ચિંતુબેનની પુણ્યતિથિ અને તેમના બે બાળકોના જન્મદિવસના અવસરને યાદગાર બનાવવા માટે રાખવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત આદિવાસી સંસ્કૃતિ અને પરંપરા મુજબ કરવામાં આવી હતી. આદિવાસી દેવી-દેવતાઓની પૂજા-અર્ચના કર્યા બાદ માતૃશ્રી સ્વ. ચિંતુબેનની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી રક્તદાન કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.
મહિલા શક્તિનો ઉત્સાહ: કુલ રક્તદાતાઓમાં 45 થી 50 ટકા મહિલાઓની ભાગીદારી.
છેલ્લા ઘણા વર્ષોથી સતત યોજાતા આ કેમ્પમાં પ્રતિવર્ષ રક્તના યુનિટમાં વધારો જોવા મળી રહ્યો છે. આ વર્ષે કુલ ૧૧૯ બ્લડ યુનિટ એકત્રિત થયા હતા. આ કેમ્પની સૌથી મોટી વિશેષતા એ રહી કે રક્તદાન કરનારાઓમાં 45 થી 50 ટકા જેટલી સંખ્યા મહિલાઓની હતી, જે સમાજમાં આવતા જાગૃતિના બદલાવને દર્શાવે છે. આ પ્રસંગે આસપાસના વિસ્તારના સામાજિક અગ્રણીઓ, રાજકીય કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. રક્તદાતાઓનો ઉત્સાહ વધારવા માટે દૂર-દૂરથી મહેમાનોએ હાજરી આપી કાર્યક્રમની શોભા વધારી હતી.
કાર્યક્રમના અંતે ડૉ. નીરવ પટેલ અને ડૉ. દિવ્યાંગી પટેલે રક્તદાન કરનાર તમામ યુવક-યુવતીઓ, બ્લડ બેંકની ટીમ તથા કાર્યક્રમમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મદદરૂપ થનાર તમામ સ્નેહીજનો અને મહેમાનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.











