ખેરગામ: ખેરગામની છાંયડો હોસ્પિટલ ખાતે સ્વ. ચિંતુબાની પુણ્યતિથિએ છેક મધ્યપ્રદેશથી આવેલા યુવાને રક્તદાન કરી પ્રેરણા પૂરી પાડી હતી. ઝાબુઆ (MP) થી ખાસ રક્તદાન કરવા આવેલા મનોજભાઈ બન્યા આકર્ષણનું કેન્દ્ર છાંયડો હોસ્પિટલના કેમ્પમાં 119 બોટલ રક્ત એકત્રિત; મહિલાઓની 50% ભાગીદારી રક્તદાતાઓને સ્ટ્રોબેરીના છોડ આપી સન્માનિત કરાયા
Decision News ખેરગામની છાંયડો હોસ્પિટલ ખાતે સ્વ. માતૃશ્રી ચિંતુબાની પુણ્યતિથિ નિમિત્તે યોજાયેલા રક્તદાન કેમ્પમાં સરહદો ઓળંગીને માનવતાના દર્શન થયા હતા. આ કેમ્પમાં સેવા અને સમર્પણનું અનોખું ઉદાહરણ ત્યારે જોવા મળ્યું જ્યારે મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના થાદલા તાલુકાથી ખાસ મનોજભાઈ રક્તદાન કરવા માટે ખેરગામ પહોંચ્યા હતા. રક્તદાન માટે છેક બીજા રાજ્યમાંથી આવવાની તેમની આ તત્પરતાએ સ્થાનિકોમાં ભારે આદર જગાવ્યો હતો અને કાર્યક્રમમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
નારી શક્તિનો દબદબો:
આ કેમ્પમાં માત્ર પુરુષો જ નહીં, પરંતુ મહિલાઓએ પણ અભૂતપૂર્વ ઉત્સાહ દાખવ્યો હતો. કુલ રક્તદાતાઓમાં ૪૫ થી ૫૦ ટકા મહિલાઓ હતી, જે રક્તદાન જેવી સામાજિક પ્રવૃત્તિમાં સ્ત્રીઓની વધતી જતી જાગૃતિ દર્શાવે છે. રક્તદાતાઓના સહયોગથી કુલ 119 રક્ત બોટલ એકત્રિત કરવામાં આવ્યું હતું, જે જરૂરિયાતમંદ દર્દીઓ માટે આશીર્વાદરૂપ બનશે.
રક્તદાન કર્યા બાદ તમામ દાતાઓને પ્રોત્સાહિત કરવા માટે આયોજકો દ્વારા સ્ટ્રોબેરીનો છોડ ભેટમાં આપીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. લોહી આપીને જીવન બચાવનાર દાતાઓને કુદરત સાથે જોડતો આ પ્રયાસ સૌએ બિરદાવ્યો હતો. કેમ્પના અંતે તમામ રક્તદાતાઓએ અને આમંત્રિતોએ સાથે મળીને ભોજન લીધું હતું. મધ્યપ્રદેશથી આવેલા અતિથિ વિશેષ રક્તદાતા મનોજભાઈ અને અન્ય તમામ દાતાઓનો આભાર માની કેમ્પનું સફળતાપૂર્વક સમાપન કરવામાં આવ્યું હતું.











