ધરમપુર: ધરમપુર તાલુકાના કરંજવેરી ગામમાં ગ્રામ પંચાયત દ્વારા આયોજિત ટેનિસ બોલ ક્રિકેટ ટુર્નામેન્ટનું રંગારંગ આયોજન તા. 2 અને 3 જાન્યુઆરી 2026 ના રોજ કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન અને સંચાલન ગામના સરપંચશ્રી અનિતાબેન વિજયભાઈ પાડવી તેમજ ગ્રામ પંચાયતના તમામ વોર્ડ સભ્યોના સહયોગથી થયું હતું.
Decision News ને સ્થાનિક આગેવાન ઉત્તમભાઈ ચૌરાએ આપેલ માહિતી મુજબ આ ટુર્નામેન્ટમાં ગામની કુલ 20 ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ગામના યુવાનોને રમતગમત પ્રત્યે પ્રોત્સાહન આપવાના હેતુથી આયોજિત આ કાર્યક્રમમાં ગામના આગેવાનો, મોટા-નાના બાળકો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા, જેનાથી વાતાવરણ ઉત્સાહથી ભર્યું રહ્યું. ટુર્નામેન્ટની રોમાંચક ફાઇનલ મેચ કરંજવેરી પટેલ ફળિયા અને કરંજવેરી નિચલા ફળિયા ટીમ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં પટેલ ફળિયા ટીમે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી વિજેતાનો ખિતાબ પોતાના નામે કર્યો, જ્યારે નિચલા ફળિયા ટીમ રનર-અપ રહી.
સમગ્ર ટુર્નામેન્ટનું સુંદર સંચાલન શ્રી વિજયભાઈ પાડવી, શ્રી હરેશભાઈ ગાંવિત, શ્રી જયેશભાઈ ભોયા તેમજ શ્રી ધાકલુભાઈ પઢેરે કર્યું હતું. આ પ્રસંગે ગ્રામજનોએ યુવાનોના ઉત્સાહ અને ગામની એકતાની ભાવનાને વધાવી લીધી હતી. આવી ટુર્નામેન્ટથી ગામના યુવાનોમાં રમત પ્રત્યેનો ઉત્સાહ વધશે અને ગામનો વિકાસ પણ થશે, એવી લોકોમાં લાગણી વ્યક્ત થઈ હતી.











