ભાવનગર: મહુવા તાલુકાના બગદાણા ગામના નવનીતભાઈ ડાહ્યાભાઈ બાલધીયા (38) પર 29 ડિસેમ્બર 2025ના રોજ, રાત્રે જીવલેણ હુમલો થયો. નવનીતભાઈના સમર્થનમાં ધારાસભ્યો/ સંસદસભ્ય બહાર આવ્યા છે. ભાવનગર પોલીસે 8 હુમલાખોરોને એરેસ્ટ કરી લીધા. હુમલાખોરોને ગુનાવાળી જગ્યાએ તેમને લઈ જતા તેઓ માંડ માંડ ચાલી શકે, તેવું પોલીસે નાટક પણ કરાવ્યું. પોલીસ નાટક કરાવે છે પણ જે કાર્યવાહી કરવી જોઈએ તે કરતી નથી.
પોલીસે કઈ કાર્યવાહી કરવાની હતી ?
[1] આ ગુનાની FIR નોંધનારો શરુઆતથી, જીવલેણ હુમલો હોવા છતાં, તેનો વીડિયો પુરાવો હોવા છતાં BNS કલમ-109 (IPC-307) હેઠળ ગુનો નોંધ્યો ન હતો, તે માટે જવાબદાર પોલીસ અધિકારીને ફરજમોકૂફ કરેલ નથી.
[2] નવનીતભાઈ પર હુમલો થતો હતો ત્યારે વીડિયો ઉતારનાર કોણ? તે ગેરકાયદેસર મંડળીનો જ સભ્ય છે, તેમને શોધીને એરેસ્ટ કરેલ નથી.
[3] આ હુમલો કોના ઈશારે કરેલ, તે શોધી તેને અરેસ્ટ કરેલ નથી.
[4] નવનીતભાઈ પર હુમલો થયો તે પહેલા 24 કલાક અગાઉ/ હુમલા દરમિયાન/ હુમલા બાદ 48 કલાક દરમિયાન આરોપીઓ, વીડિયો ઊતારનાર, આ હુમલાનું કાવતરું ઘડનાર અને સ્થાનિક PI ડી.વી. ડાંગરની કોલ ડિટેઇલ મંગાવી ગુનાનો ‘મોટિવ’ સ્થાપિત કરવાની કાર્યવાહી થઈ નથી. શું કોઈ ‘મોટિવ’ વિના ગુનો બને? PI ડી.વી. ડાંગરની જાણકારી હેઠળ જ આ જીવલેણ હુમલો થયો છે કે નહીં, તેની તપાસ જિલ્લા પોલીસ વડા કરશે?
[5] હુમલામાં વપરાયેલ બન્ને કારના માલિક કોણ? તેમની પૂછપરછ કેમ નહીં? નંબર પ્લેટ વગરની કારનો ઉપયોગ કેમ? શું પૂર્વ આયોજિત કાવતરું ન હતું?
[6] માની લઈએ કે નવનીતભાઈ દારુની/ ખનીજ ચોરીની બાતમી પોલીસને આપતા હતા, તો બાતમીદાર પર જીવલેણ હુમલો થાય તે પોલીસની નિષ્કાળજી ગણાય કે નહીં? નવનીતભાઈ સરપંચના કુટુંબીજન છે, તેમની પર ગુંડાઓ હુમલો કરે તો સામાન્ય નાગરિકો કઈ સ્થિતિમાં જીવતા હશે?
[7] હજુ પૂરતી તપાસ થઈ ન હતી, ગુનાનો મોટિવ પ્રસ્થાપિત થયો ન હતો ત્યારે DySP રીમા ઝાલાએ ડાયરા કલાકાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરને ક્લિન ચીટ આપી હતી, આ શું સૂચવે છે? શું ભાવનગર પોલીસ લોકોને મૂર્ખ બનાવતી નથી? જિલ્લા પોલીસ વડા અને રેન્જ પોલીસ વડા જાગશે ખરા ?
BY: રમેશ સવાણી











