કપરાડા: કપરાડા તાલુકાના અંતરિયાળ અને ડુંગરાળ વિસ્તારમાં આવેલા ઉમલી–કેતકી –કાશટુનિયા ગ્રુપ ગ્રામ પંચાયતના આશરે 10,000 જેટલા ગ્રામજનો આજે પણ પાયાની સુવિધાઓથી વંચિત છે. ગ્રામજનોનાં જણાવ્યા અનુસાર વારંવાર મૌખિક તેમજ લેખિત રજૂઆતો કર્યા છતાં સંબંધિત તંત્ર દ્વારા કોઈ ધ્યાન આપતું નથી.આથી સ્થાનિકોમાં ભારે આક્રોશ વ્યાપેલો છે. આઝાદીના 79 વર્ષ બાદ પણ આ વિસ્તારમાં વિકાસના નામે અંધકાર જોવા મળે છે.
આ બાબતે સ્થાનિકોએ વિગતે જણાવતા કહ્યું છે કે ગ્રામ પંચાયતનું મકાન જર્જરિત હોવાથી કામગીરી પાર પાડવામાં મુશ્કેલી પડતી હોય છે.6 કિલોમીટરનો રસ્તો વર્ષોથી રજૂઆતો કરીને થાકી જવાયું હોવા છતાં બંધાયો નથી, જેના કારણે અવરજવર ખુબ જ મુશ્કેલ બને છે અને ચોમાસામાં તો વેદનાઓનો પાર નથી રહેતો.ઉમલી ગામની પ્રાથમિક શાળાનું મકાન અત્યંત જર્જરિત હોવાથી 75 બાળકોના ભવિષ્ય પર ગંભીર સંકટ છે અને જીવના જોખમે ભણવા મજબુર બન્યા છે. ખરાબ રસ્તાઓને લીધે ત્રણે ગામોમાં 108 એમ્બ્યુલન્સ સમયસર પહોંચી શકતી નથી,જેના કારણે તાત્કાલિક સારવાર અઘરી બની જતી હોય છે અને પ્રાથમિક સારવાર માટે સરકારી આરોગ્ય કેન્દ્ર પણ ઉપલબ્ધ નથી.સ્મશાન ભૂમિની કોઈ સુવિધા નહિ હોવાથી ગામજનોએ વર્ષોથી ખુલ્લામાં અંતિમ ક્રિયા કરવી પડે છે.
સ્થાનિક આદિવાસી બહુમતિ ગરીબ પ્રજાનું કહેવું છે કે તંત્રના બેદરકાર અભિગમને કારણે વર્ષોથી આ વિસ્તાર વિકાસથી વંચિત રહ્યો છે.ગામજનોની માંગ છે કે બધા પાયાના કામો તાત્કાલિક હાથ ધરીને વિસ્તારમાં સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે અને ગામનો વિકાસ થાય. ગામના અનેક વિસ્તારોમાં નદી–નાળા તૂટી ગયા છે,રસ્તાઓની હાલત પણ બદતર છે.દરેક ફળિયામા પહોંચવું મુશ્કેલ બને તેવી પરિસ્થિતિ કાયમી બની ચુકી છે.
આ બાબતે મીડિયા સાથેની વાતચીતમાં SAS નવસારી જિલ્લા પ્રમુખશ્રી ડો.નિરવ ભુલાભાઇ પટેલે જણાવ્યું હતું કે સ્થાનિક લોકોએ ભારે આક્રોશ સાથે જણાવ્યું હતું કે અમારી ગ્રામ પંચાયતના ત્રણેય ગામોમાં લોકો પાયાની સુવિધાઓ માટે વર્ષોથી તરસ્યા છે. અનેક વાર રજૂઆત કરવા છતાં કોઈ અધિકારી ધ્યાન આપતા નથી.એના પાપે રોજનું કમાઈને ખાનારા ગરીબ આદિવાસી પરિવારો પોતાની મૂળભૂત જરૂરિયાતો પૂરી કરવા માટે સંઘર્ષ કરી રહ્યા છે.











