ધરમપુર: આદિવાસી અને ગ્રામીણ વિસ્તારોમાં ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ પૂરી પાડવા માટે જાણીતી શ્રીમદ્ રાજચંદ્ર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર, ધરમપુર દ્વારા મોટા પાયે મફત સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ 2 જાન્યુઆરીથી 6 જાન્યુઆરી 2026 સુધી ચાલશે, જેમાં દેશ-વિદેશના 150થી વધુ ડોક્ટરોની ટીમ દ્વારા સેવા આપવામાં આવશે.
આ કેમ્પની ખાસ વાત એ છે કે તમામ સેવાઓ સંપૂર્ણપણે નિશુલ્ક છે. દર્દીઓનું નિદાન, ઓપરેશન, દવાઓ, CT સ્કેન, MRI, X-ray, લેબ ટેસ્ટ વગેરે બધું જ મફતમાં કરવામાં આવશે. આંખની તપાસમાં જો નંબર હોય તો સ્થળ પર જ ચશ્માં આપવામાં આવશે, અને સાંભળવામાં તકલીફ હોય તો કાનના મશીન પણ મફતમાં આપવામાં આવશે. કેમ્પમાં સામાન્યથી લઈને ગંભીર બીમારીઓની સારવાર આપવામાં આવશે, જેમ કે:
• હાડકા અને સાંધાના ઓપરેશન
• હૃદયની બીમારીઓ અને ઓપરેશન
• વાંકાચુકા હાથ-પગ અને પ્લાસ્ટિક સર્જરી
• જરૂર પડે તો CT સ્કેન અને MRI
આ ઉપરાંત, કેમ્પ દરમિયાન તમામ દર્દીઓ માટે ચા-બિસ્કિટ અને બપોરનું જમવાનું પણ મફતમાં આપવામાં આવશે. ખાસ કરીને જેમની પાસે આયુષ્માન કાર્ડ નથી, તેઓ પણ આ કેમ્પનો પૂર્ણ લાભ લઈ શકે છે. આ કેમ્પ ગરીબ અને આદિવાસી પરિવારો માટે મોટી રાહત બની રહેશે. શ્રીમદ્ રાજચંદ્ર હોસ્પિટલના આ પ્રયાસથી વલસાડ જિલ્લાના ધરમપુર, કપરાડા, વાંસદા તેમજ આસપાસના વિસ્તારોના હજારો દર્દીઓને વિશ્વકક્ષાની તબીબી સેવાઓ મળશે. વધુ
આવો, આ મહત્વની સેવાનો લાભ લઈએ અને અન્યોને પણ જાણ કરીએ.











