ધરમપુર: ગુજરાત સરકારની ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI) ગરીબ અને મધ્યમ વર્ગના યુવાનોને કુશળતા વિકસાવીને આત્મનિર્ભર બનાવવાનું મહત્વનું કાર્ય કરી રહી છે. આનું તાજું ઉદાહરણ છે ધરમપુરની માલનપાડા ITIમાં તાલીમ લઈ રહેલા ભેંસધરા ગામના જયદીપ પટેલે. જયદીપે સાયન્સ સેન્ટરમાં પ્રદર્શન માટે એક અનોખું ઈલેક્ટ્રિક ટ્રેનનું મોડલ તૈયાર કર્યું છે, જે પેન્ટોગ્રાફ વિના દોડે છે અને સુરક્ષાના નવા માપદંડોને પ્રોત્સાહન આપે છે.

ITIની ઉમદા તાલીમના કારણે જયદીપને આવી નવીનતા લાવવાની પ્રેરણા મળી. આ મોડલમાં ઓવરહેડ વીજ પાવરનો સપ્લાઈ સીધો પટરીમાં આપવામાં આવ્યો છે, જેથી ટ્રેનની છત પર ચઢી જવાથી વીજ કરંટના અકસ્માતોને અટકાવી શકાય છે. જયદીપ પટેલ કહે છે, “આ ટેક્નોલોજીથી ટ્રેનમાં થતા વીજ અકસ્માતોને મોટા પ્રમાણમાં ટાળી શકાય છે. પટરીમાં વીજ પુરવઠો આપવાથી સુરક્ષા વધે છે અને ટ્રેનની કાર્યક્ષમતા પણ સુધરે છે.” આ મોડલમાં વધુમાં સેન્સર્સ પણ લગાવવામાં આવ્યા છે, જેથી ટ્રેન કોઈ પણ જગ્યાએ અટકી પડે તો તરત જ જાણ થઈ જાય છે. આવી સુવિધા વાસ્તવિક ટ્રેન સિસ્ટમમાં અકસ્માતોને ઘટાડીને જીવન બચાવી શકે છે. જયદીપનું આ મોડલ સાયન્સ સેન્ટરમાં પ્રદર્શિત કરવામાં આવ્યું છે, જ્યાં તેને વિઝિટર્સ તરફથી વખાણ મળી રહ્યા છે.

જયદીપ માત્ર તાલીમાર્થી જ નથી, પરંતુ તેની કુશળતાને વ્યવહારમાં પણ લાવે છે. ઘરે ફ્રી સમય મળે ત્યારે તે ઈલેક્ટ્રિક ગેજેટ્સનું રિપેર કરીને વધારાની આવક મેળવે છે. આ તેની આર્થિક સ્થિતિને મજબૂત બનાવે છે અને ITIની તાલીમનું વાસ્તવિક મૂલ્ય દર્શાવે છે. જયદીપ જેવા તાલીમાર્થીઓ આ યોજનાની સફળતાના પ્રતીક છે, જેઓ નવીન વિચારોને વાસ્તવિકતામાં ફેરવીને સમાજને યોગદાન આપી રહ્યા છે. આવા પ્રયાસો ભવિષ્યમાં વધુ યુવાનોને પ્રોત્સાહિત કરશે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here