નેત્રંગ: ભરૂચ લોકસભા મતવિસ્તારના સાંસદ મનસુખ વસાવાએ ફરી એકવાર સરકારી વિકાસ કામોમાં ગુણવત્તા પર આકરા પાણીએ આવ્યા છે. નેત્રંગ તાલુકામાં મુખ્ય માર્ગ પર ચાલી રહેલી પેવર બ્લોક બેસાડવાની કામગીરીમાં હલકી ગુણવત્તાની સામગ્રીનો ઉપયોગ થતો હોવાની ફરિયાદ મળતાં સાંસદ જાતે સ્થળ પર પહોંચ્યા અને તાત્કાલિક કામગીરી અટકાવી દીધી.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ કામમાં નીચી કક્ષાના પેવર બ્લોકનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો, સાંસદ મનસુખ વસાવાએ સ્થળ નિરીક્ષણ દરમિયાન ખામીઓ જોઈ અને કોન્ટ્રાક્ટર તેમજ સંબંધિત અધિકારીઓને ચેતવણી આપી હતી. આ પગલાથી કોન્ટ્રાક્ટર અને સ્થાનિક સ્વરાજ્યના અધિકારીઓમાં દોડધામ મચી ગઈ છે.
સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું કે, સરકારી નાણાંનો દુરુપયોગ અને હલકી ગુણવત્તા સહન કરવામાં નહીં આવે. આવનારા સમયમાં પણ આવા કામો પર કડક નજર રાખવામાં આવશે. સ્થાનિક રહેવાસીઓએ સાંસદના આ પગલાની પ્રશંસા કરી છે અને વિકાસ કામોમાં પારદર્શિતા અને ગુણવત્તા જળવાઈ રહે તેવી અપેક્ષા વ્યક્ત કરી છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં સાંસદનો દબંગ અંદાજ જોવા મળી રહ્યો છે.











