ધરમપુર: થોડા દિવસ પહેલા જ ધરમપુર તાલુકામાં શેરીમાળ-કાંગવી ગામ જવા માટે માન નદી પર આવેલા કોઝવે પુલ પર સુરક્ષા ગ્રીલ લગાવવામાં આવી છે. આ પગલું ભૂતકાળમાં થયેલા અકસ્માતોને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યું છે, જેથી ભવિષ્યમાં મોટી દુર્ઘટના ન બને.
સ્થાનિક લોકોની ચર્ચા અનુસાર, ચોમાસામાં નદીમાં મોટો વહેણ હોય ત્યારે જો આ ગ્રીલ અગાઉથી લગાવવામાં આવી હોત તો અનેક અકસ્માતોમાં થયેલા મોતની ઘટના ટળી શકી હોત. આ કોઝવે પુલનો ઉપયોગ સવારમાળ, ખાંડા, લુહેરી, બોપી અને વાંસદા જવા માટે થાય છે. હાલ આસુરા-કરજવેરી વિસ્તારના કોઝવેના બકોરુંના કારણે ડેમેજ થયા હોવાથી તમામ વાહનો આ પુલ પરથી જ પસાર થાય છે, જેના કારણે અહીં વાહનોની અવરજવર વધી ગઈ છે અને જોખમ પણ વધ્યું હતું.
સ્થાનિકોનું કહેવું છે કે, હવે તંત્ર જાગૃત થયું છે અને ગ્રીલ લગાવવાથી વાહનો નદીમાં પડવાના જોખમમાંથી બચી શકશે. આ પગલાંથી વિસ્તારના રહેવાસીઓમાં રાહતનો માહોલ છે. આ ગ્રીલની સ્થાપના વિસ્તારના લોકો માટે સુરક્ષાનું એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે.











