ડીસીઝન વિશેસ: આજે એક એવી વ્યક્તિનો પ્રકૃતિ અવતરણ દિવસ છે જેમણે પોલીસની ખાખી વર્દીમાં રહીને ‘કાયદો’ જાળવ્યો અને નિવૃત્તિ પછી કલમના માધ્યમથી ‘સત્ય’ અને ‘માનવતા’ની મશાલ પ્રગટાવવા સતત પ્રયત્નશીલ છે. કદાચ છેલ્લે rs ના લખ્યું હોય તોય ખ્યાલ આવી જાય કે આ લેખ રમેશ સવાણી સાહેબ સિવાય કોઈ લખી જ ના શકે એટલી જડબેસલાક અને પ્રભાવક શૈલીમાં એમની અભિવ્યક્તિ હોય છે.
આજના આધુનિક યુગમાં પણ જ્યારે સમાજ અંધશ્રદ્ધા, જડ માન્યતાઓ અને ધર્મના નામે થતા પાખંડમાં ડૂબેલો છે, ત્યારે ફેસબુકના માધ્યમથી સાહેબ એક ટોર્ચબેરર (મશાલચી) જેવું કાર્ય કરી રહ્યા છે. તેઓ ધર્મને માત્ર કર્મકાંડ નહીં, પણ ‘નૈતિકતા’ અને ‘તર્ક’ના ચશ્માથી જોવાની દ્રષ્ટિ આપે છે.
એક ઉચ્ચ હોદ્દા પર રહી ચૂકેલા અધિકારી જ્યારે સામાન્ય માણસની પીડા, મોંઘવારી અને સામાન્ય જનતાના પાયાના પ્રશ્નો વિશે લખે છે, ત્યારે સમજાય છે કે તેમની અંદરનો ‘માનવ’ હજુ પણ જીવંત છે. તેઓ આપણને શીખવે છે કે સાચી ભક્તિ એ અંધશ્રદ્ધામાં નથી, પણ માનવતાની સેવામાં અને સત્યને સ્વીકારવામાં છે.
આજથી બે અઢી વર્ષ પેલા હું જ્યારે સાહેબના લેખો વાંચતી ત્યારે મને થતું કે આટલું બધું કોઈ કેવી રીતે લખી શકે! કાશ હું પણ ક્યારેક આવી રીતે લખી શકું! આજે આ લખું છું ત્યારે એમ થાય છે જેમને વાંચીને વાંચીને લખવાની પ્રેરણા મળી એમના વિશે લખવાનો રોમાંચ પણ અલગ છે.સાહેબના માર્ગદર્શન અને સહયોગે મારી અત્યારસુધીની જર્નીમાં પણ બહુ મોટો ફાળો આપ્યો છે જે “આભાર” શબ્દ વડે અભિવ્યક્ત થઈ શકે એમ નથી.
આદરણીય રમેશ સવાણી સાહેબ, આપનું સ્વાસ્થ્ય ઉત્તમ રહે અને આપની કલમ આમ જ અન્યાય સામે લડતી રહે,આપના વિચારો આવનારી પેઢી માટે સદાય માર્ગદર્શક બની રહેશે. આપ જેવા નિખાલસ, સ્પષ્ટવક્તા અને નીડર માર્ગદર્શકની આ દેશ અને સમાજને ખૂબ જરૂર છે. પ્રકૃતિ અવતરણ દિવસ મુબારક !
BY: જ્યોત્સના આહીર











