સાગબારા: આજરોજ નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ઓલગામ ગામની ધારાસભ્ય ચૈતર વસાવાએ મુલાકાત લીધી હતી. અહીં જંગલ જમીન પર ખેડાણ કરતા ખેડૂતો તેમજ ઉકાઈ ડેમ વિસ્તારમાં પ્રસ્તાવિત પ્લોટીંગ સોલાર પ્રોજેક્ટથી અસરગ્રસ્ત લોકો સાથે તેમણે વાતચીત કરી અને તેમની સમસ્યાઓ સાંભળી હતી.
ચૈતર વસાવાએ જણાવ્યું કે, અંબાજીથી ઉમરગામ સુધીના વિસ્તારો તેમજ છત્તીસગઢ, ઝારખંડ, ઓડિશા, મિઝોરમ, મેઘાલય અને મણીપુર જેવા રાજ્યોમાં આદિવાસી સમુદાય જળ, જંગલ અને જમીનના અધિકારો માટે સતત સંઘર્ષ કરી રહ્યો છે. મણીપુરમાં પણ જમીનને લઈને લડત ચાલી રહી છે. દેશભરમાં આદિવાસીઓ પોતાના પરંપરાગત અધિકારો અને કુદરતી સંસાધનોના રક્ષણ માટે એકજુટ થઈ રહ્યા છે.
તેમણે ઉકાઈ ડેમ પર પ્રસ્તાવિત 1500 મેગાવોટના ફ્લોટિંગ સોલાર પ્રોજેક્ટનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, આ પ્રોજેક્ટના વિરોધમાં આવેદન આપનાર 18 લોકો પર એફઆઈઆર નોંધાઈ છે. આવા અન્યાય સામે આદિવાસી સમુદાયે એકઠા થઈને લડવું જરૂરી છે.
ચૈતર વસાવાએ આવનારી પેઢીને ધ્યાનમાં રાખીને તમામને અપીલ કરી કે, બંધારણીય અધિકારો અને જંગલોના સંરક્ષણ માટે એકજુટ થઈને આગળ આવવું પડશે. તેમણે કહ્યું કે, આદિવાસીઓનો આ સંઘર્ષ માત્ર સ્થાનિક નથી, પરંતુ રાષ્ટ્રીય સ્તરે જળ-જંગલ-જમીનના હક્કોની લડત છે. આ મુલાકાત દરમિયાન સ્થાનિક આદિવાસીઓએ પણ પોતાની વેદના વ્યક્ત કરી હતી.











