ચિકદા: ધારાસભ્ય ચૈતર વસાવાએ નવરચિત ચિકદા તાલુકામાં પોલીસ ભરતી માટે તૈયારી કરતા યુવકો અને યુવતીઓ સાથે મુલાકાત કરી. ધારાસભ્ય ચૈતર વસાવા સવારે ભરાડા ગ્રાઉન્ડ ખાતે પહોંચ્યા, ત્યારબાદ ચિકદા ગ્રાઉન્ડ, મોસ્કુટ ગ્રાઉન્ડ અને છેલ્લે ઝાંક ગ્રાઉન્ડ ખાતે ઉપસ્થિત રહ્યા હતા અને ભરતીની તૈયારી કરનારા યુવક યુવતીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. તમામ યુવાનો સાથે ધારાસભ્ય ચૈતર વસાવાએ રૂબરૂમાં મળીને રનીંગ માટે ગ્રાઉન્ડની સુવિધા લાઇબ્રેરી તથા પાઠ્યપુસ્તકની સુવિધા મુદ્દે માર્ગદર્શન આપ્યું હતું તથા નિષ્ણાતો અંગેની સુવિધા મુદ્દે ચર્ચા કરી હતી.
ચૈતર વસાવાએ તમામ યુવક યુવતીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે પીએસઆઇ અને કોન્સ્ટેબલની ભરતી થોડા સમયમાં આવવાની છે, તો એ ભરતીમાં આપણા વિસ્તારના વધારેમાં વધારે લોકો ભાગ લે, પાસ થાય અને નોકરીમાં લાગે એવી આપણે આશા રાખીએ છીએ. તમામ લોકોએ પોતાની શક્તિનો પૂરો ઉપયોગ ભરતીની તૈયારીમાં કરવાનો છે. આસપાસના ગામના તમામ લોકોને ફોર્મ ભરાવો અને એક સારું વાતાવરણ ઊભું કરો. ત્યારબાદ આપણા ગામમાં ભરતીમાં ભાગ લેનારા લોકો માટે એક સારું રનિંગ ગ્રાઉન્ડ ઉભું કરી શકીએ, તેમના વાંચન માટે સારું સ્થળ ઊભું કરી શકીએ, જો કોઈ એકેડેમી સાથે ક્લાસીસ કરવાના હોય તો એના માટે પણ વ્યવસ્થા આપણે ઊભી કરીએ, આ તમામ બાબતે આપણે આગળ શું કરી શકીએ એ બાબતનું ચિંતન કરવા માટે આજે આપણે તમામ લોકો એકઠા થયા છીએ.
જેમ જેમ લોકો પોલીસની ભરતીઓમાં લાગતા જશે, બીજી નોકરીઓમાં લાગશે, ત્યારે જ આપણો પરિવાર, આપણું ફળિયું, આપણું ગામ અને આપણો સમાજ આગળ આવશે. માટે હવે તમામ બીજી પ્રવૃત્તિઓને બાજુમાં મૂકીને ફક્ત ભરતીની તૈયારીમાં લાગી જાઓ.











