ચીખલી: જનનીની જોડ સખી નહી જડે રે લોલ… ગુજરાતના મંત્રી નરેશભાઈ પટેલ દ્વારા ગતરોજ પોતાની માતા મોગરીબાના 15મી પુણ્યતિથિ નિમિત્તે સેવા સાથે સ્મરણાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સેવા કાર્યના ભાગરૂપે ખૂબ મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું હતું.
નરેશભાઈએ જણાવ્યું કે જેઓએ મને સદાય સન્માર્ગે ચાલવાની પ્રેરણા આપી એવા મારા માતૃશ્રી સ્વ. મોગરીબાના 15મી પુણ્યતિથિ નિમિતે સેવા સાથે સ્મરણાંજલિ કાર્યક્રમનું આયોજન કર્યું, સેવા કાર્યના ભાગરૂપે ખૂબ મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કરી માનવસેવાનો ઉત્તમ દાખલો આપ્યો તથા મોટી સંખ્યામાં લોકોએ નેત્ર ચકાસણી શિબિરનો લાભ લીધો. સાથે જ, આદરણીય હેતલ દીદી અને માનનીય યશોદા દીદીના આશીર્વચનસભર વચનો સાંભળવાનો સૌને અવસર મળ્યો અને સત્સંગનો આત્મિક લાભ પ્રાપ્ત થયો.
સેવા, સંસ્કાર અને સંવેદનાનો આ સંયોગ માતૃશ્રીને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો વિનમ્ર પ્રયાસ રહ્યો. કાર્યક્રમને સફળ બનાવવા માટે સહયોગ આપનાર તમામ આગેવાનો, કાર્યકર્તાઓ અને ઉપસ્થિત જનસમુદાયનો હૃદયપૂર્વક આભાર.
આ અવસરે વિધાનસભા નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલ, નવસારી જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી ભુરાભાઈ શાહ, સાથી ધારાસભ્યો શ્રી જીતુભાઈ ચૌધરી તથા શ્રી અરવિંદભાઈ પટેલ સહિત વિવિધ આગેવાનો, કાર્યકર્તાઓ અને ખૂબ મોટી સંખ્યામાં ગ્રામજનો તથા સ્નેહીજનો ઉપસ્થિત રહ્યા.











