આહવા: ડાંગ જિલ્લાના ઘનઘોર જંગલ વિસ્તારમાં ગત 23 મી ડિસેમ્બરે દીપડાના હુમલામાં 7 વર્ષીય બાળક રિતિક ઘુલુમનું કરુણ મોત નીપજ્યું હતું. આ દુઃખદ ઘટનાને પગલે આજરોજ રાજ્યકક્ષાના મંત્રી તેમજ ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી ડૉ. જયરામ ગામીતે અસરગ્રસ્ત પરિવારની જાતે મુલાકાત લીધી હતી અને રાજ્ય સરકાર તરફથી સંવેદના પ્રગટ કરી હતી.
ડાંગના ધારાસભ્ય વિજય પટેલે જણાવ્યું કે, મંત્રીશ્રીની સાથે વન્ય પ્રાણીના હુમલાનો ભોગ બનેલા બાળક રિતિકના માતા અને દાદીને રાજ્ય સરકાર વતી રૂ. ૧૦ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. આ સહાયથી પરિવારને આર્થિક આધાર મળશે તેમજ સરકારની સંવેદનશીલતા દર્શાવે છે.
ઘટનાની વિગતો અનુસાર, બાળક રિતિક પર અચાનક દીપડાએ હુમલો કર્યો હતો. હુમલોમાં બાળકને ગળામાં ગંભીર ઇજા થતા બાળકનું મોત થયું હતું. વન વિભાગે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે અને દીપડાને પકડવા માટે વિસ્તારમાં ત્રણ પાંજરા મૂકવામાં આવ્યા છે. જિલ્લાના જંગલી વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓને ધ્યાનમાં રાખીને સ્થાનિકોને સતર્ક રહેવા અપીલ કરવામાં આવી છે. આ ઘટનાએ ડાંગ જિલ્લામાં વન્ય પ્રાણીઓ અને માનવ વસાહતો વચ્ચેના સંઘર્ષને ફરી એકવાર ઉજાગર કર્યો છે.











