ગુજરાત: આજે દેશભરમાં ખાસ કરીને દલિત અને પ્રગતિશીલ સમુદાયો દ્વારા મનુસ્મૃતિ દહન દિવસ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસ 98 વર્ષ પહેલાં 25 ડિસેમ્બર 1927ના રોજ મહારાષ્ટ્રના મહાડમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરના નેતૃત્વમાં મનુસ્મૃતિની પ્રતોના જાહેર દહનની યાદમાં ઉજવાય છે.
આ ઘટના મહાડ સત્યાગ્રહના ભાગરૂપે બની હતી, જેમાં દલિતોને જાહેર તળાવમાંથી પાણી પીવાના અધિકાર માટે સંઘર્ષ કરવામાં આવ્યો હતો. ડૉ. આંબેડકરે મનુસ્મૃતિને જાતિવાદ અને મહિલાઓ પર અત્યાચારનું પ્રતીક માનીને તેનો વિરોધ કર્યો હતો. તેમના મતે આ પ્રાચીન ગ્રંથ જાતિ વ્યવસ્થા અને મહિલાઓની અસમાનતાને ધાર્મિક આધાર આપે છે. મહાડમાં હજારો લોકોની હાજરીમાં મનુસ્મૃતિની પ્રતોને આગને હવાલે કરવામાં આવી, જે અધર્મ પર ધર્મના વિજયનું પ્રતીક બની.
આ દિવસને સ્ત્રી મુક્તિ દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે, કારણ કે મનુસ્મૃતિ મહિલાઓને શિક્ષણ, સ્વતંત્રતા અને સમાન અધિકારોથી વંચિત રાખવાના નિયમો ધરાવે છે. સોશિયલ મીડિયા પર અનેક યુઝર્સે આ દિવસને ઉત્સવ તરીકે ઉજવીને બાબાસાહેબને શ્રદ્ધાંજલિ અર્પી છે.











