પારડી: આજરોજ પારડી તાલુકાના પ્રાંત અધિકારી શ્રી નીરવ પટેલે ખેરલાવ ગામની પ્રાથમિક શાળાની અચાનક મુલાકાત લઈને શૈક્ષણિક વ્યવસ્થા અને મધ્યાહન ભોજન યોજનાનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન તેમણે શાળાના નાના ભૂલકાઓ સાથે બેસીને મધ્યાહન ભોજન લીધું અને તેમની સાથે આત્મીય સંવાદ કર્યો હતો.
Decision News ને મળેલી માહિતી મુજબ પ્રાંત અધિકારીશ્રીએ શાળાની સુવિધાઓ, શિક્ષણની ગુણવત્તા તેમજ મધ્યાહન ભોજનની વ્યવસ્થા અને ખોરાકની ગુણવત્તાની ખૂબ પ્રશંસા કરી હતી. બાળકો સાથે વાતચીત કરતાં તેમણે બાળકોના અભ્યાસ, રમતગમત અને ભવિષ્યની આકાંક્ષાઓ વિશે જાણવાનો પ્રયાસ કર્યો હતો. આ આત્મીય ક્ષણોએ શાળાના વાતાવરણને વધુ ઉત્સાહપૂર્ણ બનાવી દીધું હતું.
મુલાકાત દરમિયાન ગામના સરપંચ શ્રી મયંક પટેલ, ગામના આગેવાનો તથા શાળાના શિક્ષકો અને સ્ટાફ હાજર રહ્યા હતા. સૌએ શાળાના વિકાસ અને બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે પૂર્ણ સહયોગ આપવાની ભાવના વ્યક્ત કરી હતી. આવી મુલાકાતો દ્વારા અધિકારીઓ અને વિદ્યાર્થીઓ વચ્ચે સીધો સંવાદ સ્થાપિત થાય છે, જેનાથી શૈક્ષણિક વ્યવસ્થામાં સુધારો લાવવામાં મદદ મળે છે, એમ પ્રાંત અધિકારીશ્રીએ જણાવ્યું હતું.











