નાંદોદ: દઢવાઢા ગામના યુવાઓએ સ્વપ્રેરણા અને સામૂહિક મહેનતથી ઉભી કરેલી બિરસા મુંડા લાયબ્રેરી આજે સમગ્ર વિસ્તાર માટે પ્રેરણારૂપ બની છે. ગામના જ યુવાઓ દ્વારા સંચાલિત આ લાયબ્રેરીમાંથી તૈયારી કરનાર ૫ યુવાઓ ગુજરાત પોલીસમાં પસંદગી પામ્યા છે, જે ગામ માટે ગૌરવની વાત છે.
Decision News ને મળેલી જાણકારી પ્રમાણે શરૂઆતમાં યોગ્ય સુવિધાઓના અભાવે મુશ્કેલીઓ હોવા છતાં યુવાઓએ એકતા દાખવી, પોતાનું અભ્યાસ કેન્દ્ર ઊભું કર્યું. નિયમિત અભ્યાસ, પરસ્પર માર્ગદર્શન અને શિસ્તબદ્ધ રૂટિનના પરિણામે આ ઐતિહાસિક સફળતા મળી છે. લાયબ્રેરી સાથે જોડાયેલા યુવાઓનું કહેવું છે કે આ સિદ્ધિ માત્ર વ્યક્તિગત નહીં પરંતુ સમગ્ર ગામની છે.
આ સફળતા અન્ય ગામોના યુવાઓને પણ પોતાની ક્ષમતામાં વિશ્વાસ રાખી આગળ વધવા માટે પ્રેરણા આપશે ગામજનો અને સમાજના આગેવાનો દ્વારા સફળ યુવાઓને અભિનંદન પાઠવવામાં આવ્યા છે અને ભવિષ્યમાં વધુ યુવાઓ સરકારી સેવાઓમાં જોડાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.











