નવસારી: ગતરોજ નવસારીના ડાભેલ ગામે ગૌકતલમાં સાથ આપવાનો ઇનકાર કરતાં ઢોરમાર મારીને દિપક નામના આદિવાસી દિકરા હત્યા કરી નાખવામાં આવ્યાની ઘટના પ્રકાશમાં આવતા જ સમગ્ર આદિવાસી પંથકમાં આક્રોશ જોવા મળ્યો હતો ત્યારે મૃતકના પરિવારની મુલાકાત લેવા વલસાડ લોકસભા સીટના સાંસદ ધવલ પટેલ ડાભેલ પહોંચ્યા હતા અને તેની અંતિમયાત્રામાં જોડાયા હતા.

સાંસદ ધવલ પટેલે મૃતકને કાંધ આપીને પરિવારના દુઃખમાં સહભાગી થયા હતા. પરિવારના મોભીનું અવસાન થયું હોવાથી મૃતકનાં પત્ની સુનીતાબેનને તેમણે વિશેષ સાંત્વન આપ્યું હતું. આ ઉપરાંત, પોલીસને અન્ય ભાગેડુ આરોપીઓને તાત્કાલિક ઝડપી પાડવા સૂચના આપી હતી. આ પ્રસંગે સાંસદ ધવલ પટેલે આદિવાસી સમાજના મસીહા તરીકે ફરતા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્યો પર આડે હાથ લીધા હતા. તેમણે જણાવ્યું હતું કે, ડાભેલ ગામમાં વિધર્મીઓ દ્વારા આદિવાસી યુવાનની હત્યા થઈ હોવા છતાં આપ પાર્ટી અને વાંસદાના કોંગ્રેસ ધારાસભ્યએ મૃતકના પરિવારની ખબર પણ લીધી નથી. વોટબેંકની રાજનીતિને કારણે બંને વિપક્ષી ધારાસભ્યો ડાભેલ તરફ ફરક્યા પણ નહોતા.

સાંસદ ધવલ પટેલે ઉંમરગામથી અંબાજી સુધીના આદિવાસી પટ્ટામાં હંમેશા આદિવાસીઓની પડખે રહેવાની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. તેમની સાથે અન્ય આદિવાસી આગેવાનો તેમજ પોલીસ કાફલો પણ ડાભેલ પહોંચ્યો હતો. આ પ્રકરણમાં પોલીસે કુલ ત્રણ આરોપીઓ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. પીડિત પરિવારને ન્યાય મળે તે માટે વહીવટી તંત્ર સક્રિય છે. આ ઘટનાએ આદિવાસી સમાજમાં રોષ ફેલાવ્યો છે, અને સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here