ધરમપુર: વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના મોટીકોરવળ ગામે સંત યાકુબ બીલીવર્સ ઈસ્ટર્ન ચર્ચ કાપુનિયા દ્વારા નાતાલ પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને ગામના લોકો ભેગા મળીને ઈસુ ખ્રિસ્તના જન્મોત્સવની ઉજવણી કરી હતી.
આ પ્રસંગે વિવિધ ધાર્મિક વિધિઓ, પ્રાર્થના, ભજન-કીર્તન અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ચર્ચના આયોજકોએ તમામ મહેમાનોનું હાર્દિક સ્વાગત કર્યું હતું, જેમાં સ્થાનિક આગેવાનો અને રાજકીય વ્યક્તિઓ પણ સામેલ થયા હતા. અપક્ષ તાલુકા પંચાયત સદસ્ય કલ્પેશ પટેલે આ કાર્યક્રમમાં હાજરી આપી હતી.

તેમણે જણાવ્યું હતું કે, “અમને આમંત્રણ આપીને અમારું બહુમાન કરવામાં આવ્યું છે, તે બદલ તમામ આયોજક મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું.” તેમણે આ કાર્યક્રમની સફળતા માટે આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા. નાતાલના પર્વની આ ઉજવણીએ ગામમાં એકતા અને ભાઈચારાનો સંદેશ આપ્યો હતો. મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિએ કાર્યક્રમને વધુ યાદગાર બનાવ્યો હતો. આવા કાર્યક્રમો ધાર્મિક સૌહાર્દ અને સામાજિક એકતાને મજબૂત બનાવે છે, તેવું સ્થાનિકોએ જણાવ્યું હતું.











