કાકરાપાર: હાલમાં રોપણીનો સમય ચાલી રહ્યો છે ત્યારે કાકરાપાર ડાબા કાંઠા નહેર વિભાગ દ્વારા 21 ડિસેમ્બરથી 45 દિવસ માટે પાણી બંધ કરવાની તજવીજ હાથ ધરતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વાળ્યું હતું ત્યારે ડો.નિરવ ભુલાભાઈ પટેલે ખેડૂતોના લાભાર્થે કાકરાપાર ડાબા કાંઠા નહેરના કાર્યપાલક ઈજનેરને રજૂઆત કરી રોટેશનની તારીખ કમસેકમ 31 તારીખ સુધી ચાલુ રાખવા ભલામણ કરેલ છે.
આ બાબતે મીડિયા સાથેની વાતચીતમાં પોતે કાર્યપાલક ઈજનેરને કરેલ રજુઆત બાબતે માહિતી આપતાં જણાવેલ કે અમને પ્રાથમિક માહિતી મળી છે કે આગામી 21 ડિસેમ્બર થી કેનાલમાં પાણીનું રોટેશન ૪૫ દિવસ માટે બંધ કરવામાં આવનાર છે.હાલની પરિસ્થિતિ મુજબ,અમારા વિસ્તારમાં મોટાભાગના ખેડૂતોને શેરડી અને ડાંગર (ઉનાળુ) ના રોપણીની કામગીરી હજુ બાકી છે અથવા ચાલી રહી છે,જો 21 તારીખથી પાણી બંધ કરવામાં આવે,તો નવા રોપાયેલા પાકને પૂરતું પાણી ન મળવાને કારણે ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થવાની ભીતિ છે.આ વર્ષની અતિવૃષ્ટિને લીધે ખેતીના પાકની ફેરબદલી અને મજૂરોની અછતને કારણે રોપણીમાં વિલંબ થયો હોવાથી,ખેડૂતોમાં એવી પ્રબળ માંગણી છે કે આ રોટેશન ૨૧ તારીખના બદલે કમસેકમ 31 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવે.
જો પાણીનું રોટેશન થોડા દિવસો લંબાવી આપવામાં આવશે તો ખેડૂતો પોતાના પાકનું વાવેતર વ્યવસ્થિત રીતે પૂર્ણ કરી શકશે અને ત્યારબાદ ૪૫ દિવસના બંધ ગાળા દરમિયાન પાકને જોખમ નહીં રહે.અમોને આશા છે કે ખેડૂતોના લાભાર્થે કાર્યપાલક ઈજનેરશ્રી યોગ્ય નિર્ણય લઇ પ્રજાવત્સલ વલણ દાખવશે.











