સુરત: સંજય ઈઝાવાએ 1 ડીસેમ્બર 2025ના રોજ સુરતના પોલીસ કમિશનરને પત્ર લખ્યો હતો : “જય હિન્દ સાથે જણાવવાનું કે, આપશ્રી તાબા હેઠળના પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં, પોલીસ કમિશ્નરશ્રીના જાહેરનામા ક્રમાંક નંબર – એસ.બી/ડ્રોન કેમેરા/199/2025, તા. 1.11.2025 માં દર્શાવવામાં આવેલ રેડ અને યલ્લો ઝોન સિવાયના એટલે કે ‘ગ્રીન ઝોન’માં 250 ગ્રામથી ઓછી વજન ધરાવતા UAV -Unmanned Aerial Vehicle ડ્રોન ઉડાડી દેશી અને ઈંગ્લીશ દારૂના અડ્ડાઓની માહિતી એકત્રીત કરવાની છે. તેથી વિનંતી છે કે, [1] સુરત શહેર પોલીસ કમિશ્નરશ્રીના હદ વિસ્તારમાં આવતા તમામ પોલીસ સ્ટેશનના ગ્રીન ક્ષેત્રોમાં ઉક્ત જાહેરનામામાં સૂચવેલ તારીખો દરમિયાન ડ્રોન ઉડાડી રેકોર્ડિંગ કરવાની કામગીરી અંગે આપશ્રીને જાણકારી આપું છું. [2] કોઈ કાનૂની વિવાદ અથવા ગેરસમજ ટાળવા માટે સંબંધિત વિસ્તારના પોલીસ કર્મચારી / અધિકારીઓને આગોતરી જાણ કરવામાં આવે. [3] જો જરૂરી લાગે તો કાર્ય દરમ્યાન પોલીસ બંદોબસ્ત અથવા માર્ગદર્શનની વ્યવસ્થા માટે આપશ્રીને અલગથી જાણ કરવામાં આવશે. [4] આ સંદર્ભે, અમે અમારા સ્વ-ખર્ચે ડ્રોન કેમેરાની મદદથી તેમજ જરૂરી સેફ્ટી પ્રોટોકોલનું પાલન કરીને ગ્રીન વિસ્તારોમાં સર્વે / વિડિયો રેકોર્ડિંગ કામગરી હાથ ધરવામાં આવશે.”
ત્યારબાદ 2 ડીસેમ્બર 2025ના રોજ કતારગામ, સુમુલ ડેરી પાછળ મહિધરપુરા પોલીસ સ્ટેશનની હદમાં દારુ વેચાણનો વીડિયો અપલોડ કર્યો હતો. 11 ડીસેમ્બર 2025ના રોજ ઉત્રાણ વિસ્તારમાં દારુ વેચાણનો વીડિયો અપલોડ કર્યો હતો. 13 ડીસેમ્બર 2025ના રોજ તેમણે ‘X’ પર સુરત શહેરના ઉત્રાણ વિસ્તારમાં દારુ વેચાણનો વીડિયો અપલોડ કર્યો છે. (લિંક કોમેન્ટમાં)
આ બાબતે મને સંજય ઈઝાવાની ચિંતા થાય છે. શું પોલીસને આ અડ્ડાઓની જાણ હોતી નથી? વાસ્તવમાં આ અડ્ડાવાળા પોલીસની મંજૂરી વિના કોઈ અસામાજિક પ્રવૃત્તિ કરી શકે નહીં. સંજયે ઉપાડેલ ઝૂંબેશથી સુરત શહેરના પોલીસ અધિકારીઓ ભીંસમાં મૂકાયા છે. દર મહિને લાખોના હપ્તા બંધ થાય તે પોલીસને ન જ ગમે. આ સ્થિતિમાં પોલીસ શું કરે?
[1] સંજયની વિરુદ્ધ ખંડણી માંગવાની FIR થઈ શકે. પોલીસ કોઈ બુટલેગરને ઊભો કરે કે કોઈ બીજા ઈસમને ઊભો કરે.
[2] સંજયની ઓફિસ/ નિવાસસ્થાન/ વ્હીકલના દારુ કે ડ્રગ્સ પ્લાન્ટ કરવામાં આવે.
[3] કોઈ ઈસમને સંજય સાથે માથાકૂટ કરવા અને પછી સંજય સામે FIR નોંધાવામાં આવે.
[4] સંજયનો વિશ્વાસ સંપાદન કરી, તેમની ઉપર ટ્રેપ કરવામાં આવે.
ભૂતકાળમાં દારુ/ જુગાર/ ડ્રગ્સની પ્રવૃતિઓ સામે અવાજ ઊઠાવનારાઓને જીવ ગુમાવવો પડ્યો છે. પોલીસ આવા કિસ્સાઓમાં ‘અ’ પડત સમરી ભરી ભીનું સંકેલી લે છે. આની સામે સંજયે 15 ડીસેમ્બર 2025ના રોજ, મુખ્યમંત્રી/ નાયબ મુખ્યમંત્રી/ રાજ્ય પોલીસ વડા/ પોલીસ કમિશનર સુરત શહેરને સોગંદનામાથી જાણ કરી છે :
[1] ભવિષ્યમાં અમારી ઉપર પોલીસ દ્વારા દારુ કબજામાં રાખવા કે તેના ઉપયોગ કરવા બદલ ખોટી ફરિયાદો દાખલ કરી, બદનામ કરી હેરાન પરેશાન કરવાની કોશિશ કરે.
[2] ભવિષ્યમાં પોલીસ અથવા અસામાજિક તત્વોની મદદથી નશીલા પદાર્થ જેમ કે દારુ /ડ્રગ્સ /અમારી ઓફીસ / ઘર / વાહનમાં ગેરકાયદેસર રીતે મૂકાવી તે અંગે ખોટી ફરિયાદો દાખલ કરી બદનામ કરી હેરાન પરેશાન કરે.
[3] કોઈ જાણીતા / અજાણ્યા વ્યક્તિ પાસેથી ખંડણી માંગવાની ખોટી ફરિયાદ ઉભી કરીને પોલીસ દ્વારા ખોટી રીતે અમારી સામે કાર્યવાહી કરવામાં આવે.
[4] કોઈ જાણીતા / અજાણ્યા વ્યક્તિને ધમકી આપ્યાની ખોટી ફરિયાદ ઉભી કરીને પોલીસ દ્વારા ખોટી રીતે અમારી સામે કાર્યવાહી કરે.
[5] ભવિષ્યમાં પોલીસ અથવા અસામાજિક તત્વો દ્વારા અમારી ઉપર જાનલેવા હુમલો કરવા/કરાવવાની સંભાવના છે.
[6] ભવિષ્યમાં જાણી જોઇને ખોટા વાહન અકસ્માત કરાવી અમોને નુકશાન પોહચાડવાની સંભાવના છે.
[7] કોઈ જાણીતા / અજાણ્યા વ્યક્તિ પાસેથી ખોટી ઉશ્કેરણી કરાવી મારી સામે ખોટી કાયદાકીય કાર્યવાહી કરાવાની સંભાવના છે.
[8] શાંતિનો ભંગ, સરકારી આદેશનો ભંગ, સરકારી કર્મચારીને ફરજમાં અવરોધ, જાહેર આરોગ્યને જોખમ, હથિયાર બતાવવું, વગેરે બાબતે ખોટી ફરિયાદ ઉભી કરીને અમને હેરાન પરેશાન કરવામાં આવે.
[9.] બળાત્કાર / જાતીય શોષણ, સ્ત્રીની મર્યાદા ભંગ, સ્ત્રી પર અશ્લીલ ટિપ્પણી, સ્ટોકિંગ (પીછો કરવો), POCSO Act, અશ્લીલ મેસેજ / વગેરે બાબતે ખોટી ફરિયાદ ઉભી કરીને પોલીસ દ્વારા અમારી સામે ખોટી કાર્યવાહી કરવાની કોશિશ થઈ શકે છે.
સંજયે જે પ્રવૃત્તિ હાથ ધરી છે એથી પોલીસ કમિશનરે તેમનું સન્માન કરેલ છે? સરકારે સન્માન કરેલ છે? અથવા તો તેમણે પોઝિટિવ નોંધ લીધી છે? જો ના, તો સંજયે ચેતવાની જરુર છે !
BY: રમેશ સવાણી











