ચીખલી: આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતની આદિવાસી સંસ્કૃતિનું મહત્વ વધી રહ્યું હોય તેમ જાપાનના જાણીતા સ્કોલર પ્રોફેસર હિરોયુકી સાતોએ નવસારી જિલ્લાના ચિખલી તાલુકામાં આવેલ ચિતાલી ગામની મુલાકાત લીધી હતી. તેઓએ અહીંના ધોડીઆ આદિવાસી સમુદાયના પૂર્વજોના ઐતિહાસિક સ્થાનક ‘ધના-રૂપા થાનક’ ની મુલાકાત લઈ આદિવાસી સંસ્કૃતિ અને ઈતિહાસ અંગે ઊંડું સંશોધન કર્યું હતું.
પ્રો. સાતોની આ મુલાકાત દક્ષિણ ગુજરાતના આદિવાસી વારસાને વૈશ્વિક સ્તરે લઈ જવા માટેનું એક મહત્વપૂર્ણ પગલું છે. જાણીતા આદિવાસી સંશોધક અને લેખક-કવિ કુલીન પટેલ પ્રો. સાતો માટે આ સ્થળ અંગેની જાણકારીના પ્રેરણાસ્ત્રોત બન્યા હતા. કુલીન પટેલે પ્રો. સાતોને દક્ષિણ ગુજરાતની આદિવાસી સંસ્કૃતિની પરંપરાઓ, માન્યતાઓ અને ધાર્મિક મહત્વ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. આ જાણકારીથી પ્રભાવિત થઈને પ્રો. સાતોએ પૂર્વજોના આ સ્થાનક વિશે વધુ ઊંડાણપૂર્વક જાણવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પ્રો. હિરોયુકી સાતોના આગમન સમયે ધના-રૂપા થાનક વિકાસ સમિતિના સભ્યોએ તેમનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું.
આ તકે સમિતિના અધ્યક્ષ ભરતભાઈ પટેલ, વિનોદભાઈ પટેલ તેમજ ચિતાલી ગામના સરપંચ જગદીશભાઈ પટેલે જાપાનીઝ સ્કોલરને આ થાનકના નિર્માણ, તેની ધાર્મિક માન્યતાઓ અને ધોડીઆ સમુદાયમાં તેના મહત્વ વિશે વિસ્તૃત જાણકારી પૂરી પાડી હતી. આ મુલાકાત ભારતીય આદિવાસી સંસ્કૃતિની સમૃદ્ધિ અને તેની જાળવણીના પ્રયાસોને આંતરરાષ્ટ્રીય સ્તરે બિરદાવે છે, અને પ્રો. સાતોનું સંશોધન દક્ષિણ ગુજરાતના આદિવાસી ઇતિહાસ પર નવો પ્રકાશ પાડી શકે છે.











