ગુજરાત: ગુજરાતી ગાયિકા કિંજલ દવેએ પોતાના પરિવારની રાજીખુશીથી 6 ડિસેમ્બર2025ના રોજ, ધ્રુવિન શાહ સાથે સગાઈ કરી. આ કારણે બ્રાહ્મણ સમાજના સ્થાપિત હિતો પેટમાં અને મગજમાં ભયંકર દુખાવો ઉપડ્યો છે અને કિંજલ તથા તેના પરિવારનો ઔદિચ્ય બ્રહ્મ સમાજે 15 ડિસેમ્બર 2025ના રોજ બહિષ્કાર કર્યો છે !
થોડાં મુદ્દાઓ :
[1] કોઈ વ્યક્તિએ કોની સાથે સગાઈ કરવી કે લગ્ન કરવા તે વ્યક્તિનો પરિવાર નક્કી કરે કે સમાજ ?
[2] શું પુખ્ત વયની વ્યક્તિને સગાઈ/ લગ્ન કરવાની સ્વતંત્રતા નથી ? ઔદિચ્ય બ્રહ્મ સમાજના સ્થાપિત હિતો બંધારણને માનતા નહીં હોય ?
[3] જો કિંજલ દવેએ દલિત યુવક સાથે સગાઈ કરી હોત તો ઔદિચ્ય બ્રહ્મ સમાજના સ્થાપિત હિતો કિંજલ દવેની હત્યા પણ કરત ને ?
[4] સગાઈ કે લગ્નની બાબતમાં સમાજ માથું કેમ મારે છે ? કોઈ પણ સમાજને આવો હક્ક છે ખરો ?
[5] જેમ જેમ ભાજપની પ્રગતિ થતી જાય છે તેમ તેમ સમાજ પછાત બનતો જાય છે. બંધારણને બદલે મનુસ્મૃતિને મહત્વ અપાય ત્યારે પરંપરા અને રૂઢિઓ મજબૂત બનતી જાય છે, પછી તે જ્ઞાતિની હોય કે ધર્મની હોય. છેલ્લાં 25 વર્ષમાં જે સામાજિક વાતાવરણ રચાયું તેમાં સામાજિક સુધારણાની વાત જ ભૂલાઈ ગઈ ! આપણે માણસાઈમાં માનવાને બદલે જ્ઞાતિમાં માનતા થઈ ગયા છીએ. જ્ઞાતિવાદ નબળો પડવાના બદલે મજબૂત બન્યો છે. ખાસ કરીને જ્ઞાતિઓમાં શ્રેષ્ઠતાનો ભાવ બળવત્તર થયો છે. દરેક સમાજની માનસિકતા એવી બની છે કે બીજી જ્ઞાતિની દીકરી લેવી છે, પરંતુ પોતાની દીકરી બીજી જ્ઞાતિમાં આપવી નથી. સૌને પોતાની જ્ઞાતિ શ્રેષ્ઠ લાગે છે અને બીજી બધી જ્ઞાતિઓ અમારાથી ઊતરતી છે તેવી મૂર્ખતા દ્રઢ બની છે.
[6] શું સમાજ હત્યારાનો બહિષ્કાર કરે છે ? શું સમાજ બૂચમારુંનો-ઠગનો બહિષ્કાર કરે છે ? શું સમાજ બળાત્કારીનો બહિષ્કાર કરે છે ? શું સમાજ ભ્રષ્ટાચારીનો-શોષણખોરનો બહિષ્કાર કરે છે ? શું સમાજ પાટલીબદલુંનો બહિષ્કાર કરે છે ? સમાજના ગરીબ લોકો આત્મહત્યા કરે છે ત્યારે સમાજના સ્થાપિત હિતોના મોંને લકવો કેમ થઈ જાય છે ? એક યુવતી પોતાના મનગમતા પાત્ર સાથે સગાઈ/ લગ્ન કરે તો તે બહિષ્કારને પાત્ર બની જાય ?
BY: રમેશ સવાણી











