ડાંગ: ગતરોજ ડાંગ જિલ્લામાં વન અધિકાર કાયદો-2006ના વ્યકિતગત અને સામુહિક દાવાઓમાં વર્ષોથી ચાલતા પડતર પ્રશ્નોના નિરાકરણ માટે જિલ્લા આદિવાસી મહાસભા ડાંગ એકમ દ્વારા આદિજાતિ વિકાસ કમિશ્નર ગુજરાત આવેદનપત્ર આપવામાં આવ્યું.
વન અધિકાર કાયદો-2006 અને તેના નિયમો-2008/2012 તેમજ સમયાંતરે કેન્દ્રીય અને રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ પરિપત્રો અને કાર્યપદ્ધતિનું પાલન કરવામાં આવ્યું નથી જેના કારણે ડાંગના હજારો આદિવાસી દાવેદારો તેમના કાયદેસર હક અને અધિકારોથી છેલ્લા ઘણા વર્ષોથી વંચિત રહ્યા છે. આ ઉપરાંત વ્યક્તિગત દાવાઓમાં રિવિઝન અરજીઓ, બહુ-પ્લોટ દાવાઓ તેમજ મંજૂર દાવાઓની રેવન્યુ નોંધણીમાં 135-ડીની નોટીસ આપ્યા વિના કરાતી કાર્યવાહી વગેરે ગંભીર કાયદાકીય ખામીઓ છે.
સામુહિક વન અધિકાર દાવાઓમાં ગ્રામસભાને મળવાપાત્ર છ અધિકારો અંશતઃ કે સંપૂર્ણપણે ન આપવી, અભ્યારણ વિસ્તારમાં આવેલા ગામોને અધિકારપત્રથી વંચિત રાખવા અને ખોટા કં.નં. તથા ક્ષેત્રફળ ફાળવવા જેવી ભૂલો છે. વન અધિકાર કાયદો-2006, તેના નિયમો, કેન્દ્રીય આદિજાતિ મંત્રાલયના સને 2015ના પરિપત્ર, તા.19/07/2025ની કાર્યપદ્ધતિ, તા.22/10/2025ના પરિપત્ર તેમજ માર્ચ-2024ના સંયુક્ત પરિપત્ર અનુસાર ડાંગ જિલ્લાના તમામ પડતર વ્યક્તિગત અને સામુહિક દાવાઓના ન્યાયસંગત અને પારદર્શક નિકાલ માટે તાલુકા તથા જિલ્લા કક્ષા વન અધિકાર સમિતિઓને આપની કક્ષાએથી તાત્કાલિક સ્પષ્ટ સૂચનાઓ/આદેશો પાઠવવામાં આવે. માટે ન્યાયપ્રદ કાર્યવાહીથી ડાંગના આદિવાસી સમાજને બંધારણીય અને કાયદેસર હકો પ્રાપ્ત થશે.











