નવીન: ભગવા કપડાથી સાવચેત રહેવું જોઈએ. કેમકે ઠગાઈ કરવા માટે ભગવા વસ્ત્રોનો ઉપયોગ થાય છે. રાવણે પણ ભગવા વસ્ત્ર ધારણ કરી સીતા માતાનું અપહરણ કરેલ. યોગ ગુરુ બાબા રામદેવની કંપની પતંજલિ ગાયનું ‘શુદ્ધ ઘી’ વેચે છે. તેમના વેચાણના પ્રમાણમાં તેમની પાસે દૂઝણી ગાયો નથી, પરંતુ તેઓ ‘શુદ્ધ ઘી’ વેચે છે ! જેમ અદાણી સત્તાથી સુરક્ષિત છે તેમ રામદેવ પણ સત્તાથી સુરક્ષિત છે. એટલે બધું ચાલે છે.

ઉત્તરાખંડના પિથોરાગઢમાં પતંજલિ ઘીનો એક નમૂનો પરીક્ષણમાં નિષ્ફળ ગયો. આ પછી, એડિશનલ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ કોર્ટે પતંજલિ, ઘી વેચતા વિતરકો અને દુકાનદારો ₹15,000નો દંડ કર્યો અને પતંજલિને રુપિયા 1,25,000નો દંડ ફટકાર્યો. આસિસ્ટન્ટ કમિશનર આર. કે. શર્માએ આ માહિતી 27 નવેમ્બર, 2025 ના રોજ આપી હતી. આ ઘીનો નમૂનો 2020 માં એકત્રિત કરવામાં આવ્યો હતો. તેનું રાજ્ય-સ્તરીય (રુદ્રપુર) અને રાષ્ટ્રીય-સ્તરીય (ગાઝિયાબાદ) પ્રયોગશાળાઓમાં પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ઘી પરીક્ષણ ધોરણોમાં નિષ્ફળ ગયું. આ સમાચાર 28 નવેમ્બર 2025થી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે.

જોકે, પતંજલિએ જણાવ્યું છે કે “રેફરલ લેબોરેટરી ગાયના ઘીનું પરીક્ષણ કરવા માટે NABL-National Accreditation Board for Testing and Calibration Laboratories દ્વારા માન્યતા પ્રાપ્ત નહોતી, અને તેથી, ત્યાં કરવામાં આવેલ પરીક્ષણ કાયદેસર રીતે સ્વીકાર્ય નથી. તે હાસ્યાસ્પદ અને અત્યંત વાંધાજનક છે કે એક હલકી ગુણવત્તાવાળી લેબે પતંજલિના ગાયના શ્રેષ્ઠ ઘીને હલકી ગુણવત્તાવાળું જાહેર કર્યું છે !”

સવાલ એ છે કે બે સરકારી લેબ હલકી ગુણવત્તાવાળી કે પતંજલિનું ઘી હલકું ?

આ તો દેશી ઘીના નામે દેશી છેતરપિંડી નથી? ગુજરાતમાં પણ ગાયનું ઘી એક કિલોના 7,000થી લઈ 2,00,000 સુધી વેચાઈ રહ્યું છે અને બીજાના શ્રમ પર જીવનારા તે ખાઈ રહ્યા છે !

ફક્ત 1,25,000નો દંડ ! તે પણ પાંચ વર્ષની કાનૂની લડાઈ પછી. તે વાર્ષિક નજીવી રકમ જ કહેવાય. પતંજલિ માટે, આ રકમ મામૂલી છે. આ પાંચ વર્ષમાં પતંજલિએ કેટલું દેશી ઘી વેચ્યું ? ઘીનું વેચાણ જ કરોડો રુપિયાનું છે. રામદેવ ટીવી પર દરરોજ બૂમ પાડે છે : “દેશી ગાયનું શુદ્ધ ઘી, આયુર્વેદનો ચમત્કાર !” લોકો તેને શ્રદ્ધાથી ખરીદે છે. મંદિરોમાં ચઢાવવા માટે, બાળકોને ખવડાવવા માટે, ‘સ્વદેશી’ હોવાના ગર્વ સાથે.

આ પહેલો કિસ્સો નથી. ઉત્તરાખંડમાં આમળાનો રસ નિષ્ફળ ગયો. રાજસ્થાનમાં દિવ્યા ધારા નિષ્ફળ ગયું. હરિયાણામાં મધમાં ખાંડ મળી આવી. તેલંગાણામાં લિપ્ટન મધ (જે પતંજલિ બનાવતી હતી) નિષ્ફળ ગઈ ! દર વખતે એ જ નાટક : લેબ રિપોર્ટ, કોર્ટ કાર્યવાહી, પાંચથી સાત વર્ષ પછી નાનકડો દંડ ! પછી એક નવી જાહેરાત, ભગવા કપડાં સાથે !

સૌથી મોટી મજાક આપણો કાયદો છે. FSSAI-Food Safety and Standards Authority of India મુજબ ‘સબસ્ટાન્ડર્ડ’ ઉત્પાદન માટે મહત્તમ દંડ 5 લાખ રૂપિયા છે. ભેળસેળ પર 10 લાખ રૂપિયા સુધીનો દંડ પણ થાય છે. અબજોનું ટર્નઓવર ધરાવતી કંપની માટે, આ રકમ હાસ્યાસ્પદ છે. અમેરિકામાં, જો કોઈ કંપની આવું કરે, તો તેને અબજો ડોલરનો દંડ અને જેલનો સામનો કરવો પડે છે. અહીં? 1,25,000નો દંડ અને તે પણ પાંચ વર્ષ પછી.

બાબા રામદેવ દરરોજ ટીવી પર પશ્ચિમી કંપનીઓને શાપ આપે છે : “આ વિદેશી કંપનીઓ આપણને ઝેર પીરસી રહી છે.” અરે, તમે તો ‘દેશી’ ના નામે ઝેર પીરસો છો ! ઓછામાં ઓછું કોકા-કોલા ‘અમૃત’ હોવાનો દાવો નથી કરતી. તમે આયુર્વેદના નામે/ સાત્વિકતાના નામે ભેળસેળિયું ઘી વેચો છો !

ભક્તો કહે છે કે : તમે સ્વદેશી કંપનીને કેમ નિશાન બનાવો છો ?

ભગતજી, સ્વદેશી હોવાનો અર્થ લોકોને મૂર્ખ બનાવવાનો નથી. નેસ્લે, પેપ્સી અને કોકા-કોલા પણ પરીક્ષણોમાં નિષ્ફળ જાય તો તેને દંડ ફટકારવામાં આવે છે. પરંતુ કોઈ કહેતું નથી કે નેસ્લેને/ કોકા-કોલાને બદનામ કરવાનું કાવતરું ચાલી રહ્યું છે. કારણ કે ઓછામાં ઓછું તેઓ ‘અમૃત’ વેચવાનો દાવો કરતા નથી !

હવે તો શક જાય છે કે રામદેવ ગૌમૂત્ર તો અસલી વેચતા હશે ને ? 

BY: રમેશ સવાણી