ધરમપુર: આજરોજ ધરમપુરના યુવા માર્શલ આર્ટિસ્ટ શ્રી રાજેશ કુમાર ધીરૂભાઈ રાઉતે વુશુ ડ્રેગન કુંકુ (ઈન્ડિયા) એસોસિએશન દ્વારા આયોજિત પરીક્ષા અને મૂલ્યાંકનમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને પ્રતિષ્ઠિત 1st Dan બ્લેક બેલ્ટ હાંસલ કર્યો છે. આ સિદ્ધિ સાથે તેમણે ધરમપુર તાલુકાનું રાજ્ય સ્તરે ગૌરવાંવિત કર્યું છે.
30 નવેમ્બર, 2025 ના રોજ ધરમપુર ખાતે યોજાયેલા ખાસ સમારોહમાં વુશુ ડ્રેગન કુંકુ એસોસિએશનના સેક્રેટરીએ રાજેશભાઈને બ્લેક બેલ્ટ તથા પ્રશંસા પત્ર એનાયત કર્યા હતા. પ્રશંસા પત્રમાં જણાવાયું છે કે, “આપે વુશુ ડ્રેગન કુંકુ એસોસિએશન અંતર્ગત 1st Dan બ્લેક બેલ્ટ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ દેખાવ કરીને બેલ્ટ હાંસલ કરેલ છે. આમ કુંફુના વિકાસમાં સહયોગ આપવા બદલ આપનું સન્માન કરતાં અમને હર્ષ અને ગૌરવની લાગણી થાય છે.”
રાજેશભાઈ ગત ઘણા વર્ષોથી વુશુ કુંફુની કઠોર સાધના કરી રહ્યા છે અને તેમણે અનેક રાજ્ય સ્પર્ધાઓમાં ધરમપુરનું પ્રતિનિધિત્વ કરીને મેડલ જીત્યા છે. 1st Dan બ્લેક બેલ્ટ મેળવવો એ માર્શલ આર્ટ્સની દુનિયામાં ખૂબ જ પ્રતિષ્ઠિત અને મુશ્કેલ સિદ્ધિ ગણાય છે, જે તેમની નિષ્ઠા, શિસ્ત અને કૌશલ્યનું પ્રતીક છે.
સન્માન પ્રસંગે રાજેશભાઈએ કહ્યું કે, “આ સિદ્ધિ મારા ગુરુજનો, પરિવારના સહકાર વિના શક્ય ન હતી. હું આગામી દિવસોમાં ધરમપુરના બાળકો અને યુવાનોને વુશુ કુંફુનું મફત તાલીમ આપીને તેમને આત્મરક્ષણ અને શિસ્તનું શિક્ષણ આપવા માંગું છું.” યુવા પેઢીને માર્શલ આર્ટ્સ તરફ આકર્ષવા રાજેશ રાઉત પ્રેરણારૂપ બન્યા છે.











