અમદાવાદ: ગૂજરાત વિદ્યાપીઠમાં 7 ડીસેમ્બર 2025ના રોજ, સ્નાતક સંઘ શતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું,. મંચ પરથી પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કહ્યું હતું કે “આજે સનાતનનું અપમાન હું સાંખી નહીં લઉં, એવો સંકલ્પ કરીએ. કેટલીક મર્યાદામાં આપણે વિરોધ નથી કરતા, પણ કોઈ આપણી સામે સનાતનનું હળહળતું અપમાન કરતું હોય, કોઈ એમ કહે કે મચ્છરની જેમ મસળી નાખીએ તો એ આપણે સાંભળી લઈએ તો ખોટું કહેવાય. હિન્દુ ધર્મ હિંસક છે એવું કોઈ કહે તો કમસે કમ એનું સમર્થન તો ન આપીએ. ગાંધી વિચારમાં પણ સનાતન વિચાર સમાયેલો છે. વિશ્વમાં માત્ર ગાંધી વિચાર જ શાશ્વત છે, અન્ય વિચારો નાશ પામ્યા છે…ગામડાના બનેલા દેશને સમૃદ્ધ કરવો હશે તો સ્વદેશી અને આત્મનિર્ભરતા અપનાવવું પડશે. આપણી ઈકોનોમી આગળ વધી રહી છે એનું એકમાત્ર કારણ આત્મનિર્ભરતા છે. અમેરિકન ટેરિફની અસર પણ ભારત પર ન પડી, એનું કારણ સ્વદેશીનો ગાંધી વિચાર છે.”

થોડાં મુદ્દાઓ :
[1] સનાતનની આટલી ચિંતા છે તો ચૂંટણીમાં ડેપ્યુટી કલેક્ટર સાથે મેળાપીપણું કરી, ઠગાઈથી/ મતચોરી કરી ચૂંટણી જીતવી અને શિક્ષણ મંત્રી બનવું તે ગાંધી વિચારનું અપમાન કહેવાય કે નહીં? ગુજરાત હાઈકોર્ટે મતચોર તરીકે ઠરાવેલ ભૂપેન્દ્રસિંહ વિદ્યાપીઠના ટ્રસ્ટી તરીકે ફરજ બજાવે તે ગાંધી વિચારનું અપમાન કહેવાય કે નહીં?

[2] ‘સનાતનનું અપમાન હું સાંખી નહીં લઉં, એવો સંકલ્પ’ લેવાની વાત કરનાર પોતે શું ગાંધી વિચારમાં માને છે?

[3] સ્વદેશી / આત્મનિર્ભરતા માટે છેલ્લા 30 વરસમાં સરકારે ક્યા પગલાં ભર્યાં? આત્મનિર્ભરતા માટે ક્યા ઉદ્યોગોને સહાય કરી? ગાંધી વિચાર પર પ્રવચનો કરતા મહાનુભાવો પાસે એપલના ફોન નથી?

[4] ‘આપણી ઈકોનોમી આગળ વધી રહી છે’ જો આ સાચું હોય તો 80 કરોડ લોકોને સરકારી અનાજ પૂરું પાડીએ છીએ તે સંખ્યામાં ઘટાડો ન થાય? કુપોષણ ઓછું ન થાય? બેરોજગારી ોછી ન થાય?

[5] ગાંધી વિચાર પર વાત કરવા લાયક છો ખરા? સાચું બોલી શકો છો? મોંઘવારી/ બેરોજગારી/ શિક્ષણમાં માફિયાગીરી/ ગરીબોને શિક્ષણથી વંચિત રાખવાની નીતિ વિશે તો બોલી શકતા નથી. શિક્ષણ સંસ્થામાં બિનજરૂરી મુદ્દાઓ પર વાત કરવાનો મતલબ શું?

[6] ‘અમેરિકન ટેરિફની અસર પણ ભારત પર ન પડી’ શું આ દાવો ખોટો નથી? વિદ્યાપીઠના મંચ પરથી જૂઠું બોલતા શરમ પણ ન આવે?

BY: રમેશ સવાણી 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here