અડધો પ્રતિકાત્મક ફોટો

ધરમપુર: આજરોજ ધરમપુર તાલુકાના ભાંભા ગામના ટોકર ફળીયાના સર્વે નંબર 212 માં સ્વ.બુધીયાભાઈ છગનભાઇ પટેલની જમીનમાં આવેલ આંગણવાડીની બિસ્માર હાલત થતા તંત્રએ જૂનું મકાન તોડી પાડી એ જ જગ્યાએ આંગણવાડીનું નવું મકાન બનાવવાની તજવીજ હાથ ધરતા સ્વ.બુધીયાભાઈ પટેલના વારસદારો ધીરુભાઈ પટેલ અને એમના પરિવારજનોએ તંત્રને મૌખિક અને લેખિત રજૂઆત કરી પોતાની ખાનગી જમીનમાંથી થોડી જ દૂર આવેલ સરકારી જગ્યામાં આંગણવાડી બાંધવાની વિનંતી કરેલ પરંતુ તંત્રએ ધરાર અવગણના કરી તારીખ 6/12/2025 ના રોજ ખાતમહુર્ત કરી દેતા વિવાદ સર્જાયો છે.

આ ઘટનાને લઈને ડો.નિરવ પટેલે વલસાડ જિલ્લા વિકાસ અધિકારી અને વલસાડ કલેકટરને રજૂઆત કરી અને મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે સ્વ.બુધીયાભાઈના વારસદારોના આક્ષેપ અનુસાર તા-13/11/2025 ના રોજ સ્વ.બુધીયાભાઈના વારસદારોને તાલુકા વિકાસ અધિકારીએ સરપંચના માધ્યમથી ફોન કરાવીને પોતાની ઓફિસમાં બોલાવેલ અને સાંજે 5 વાગ્યાના સુમારે ટીડીઓની ઓફિસમાં પહોંચતા ટીડીઓએ જમીનમાલિકોને સાંભળવાને બદલે ધમકાવતા જણાવેલ કે તમે લોકો થાય તે તોડી લો પણ આંગણવાડી તો આ જ જગ્યામાં બનશે. આ જગ્યાએ સ્વ.બુધીયાભાઈના સંયુક્ત કુટુંબના અરજદારોના સંયુક્ત હિસ્સામાં છે.સ્વ.બુધીયાભાઈના વારસદારોએ વાંધા અરજી આપેલ હોવા છતાં નિયમોનુસાર કાયદેસર નિરાકરણ લાવવાને બદલે આજરોજ તારીખ 6/12/2025 ના રોજ જમીનમાલિકોનો સ્પષ્ટ વિરોધ હોવા છતાં વિરોધની ઉપરવટ જઈ સંપૂર્ણ ગેરકાયદેસર રીતે પ્રશાસન દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવેલ, તેથી સ્વ.બુધીયાભાઈના વારસદારોએ સામાજિક આગેવાન તરીકે અમારો સંપર્ક કરેલ અને આ બાબતના કાગળકામ બતાવેલ તે જોતા સ્પષ્ટપણે જણાય આવે છે કે સ્વ.બુધીયાભાઈના પરિવારજનો દ્વારા આપવામાં આવેલ કહેવાતું સંમતિપત્રક તદ્દન બોગસ અને ઉપજાવી કાઢીને બનાવેલ છે. નાયબ કાર્યપાલક ઈજનેરે આપેલ અભિપ્રાયમાં તારીખનો ઉલ્લેખ પણ નથી.7/12 ના ઉતારા પ્રમાણે બુધીયાભાઈ મરણ પામેલ છે તો તેના વારસદારોની ના હોય તો તે ઉતારો કેવી રીતે માન્ય ગણવો ?

આમ તમામ કાગળકામ દેખીતી રીતે સંપૂર્ણ ગેરકાયદેસર પ્રકારના જણાય આવતા હોય આ ગેરકાયદેસર બાંધકામ તાકીદે બંધ કરાવવાની સૂચના ધરમપુર તાલુકા વિકાસ અધિકારીશ્રી અને સીડીપીઓને આપવામાં આવે અને આ સમગ્ર બનાવની આપની કક્ષાએથી નિષ્પક્ષ પુન: તપાસ કરવામાં આવે અન્યથા આ બાબતે કાયદાકીય કાર્યવાહી આવશે એવી પરિવારે રજુઆત કરેલ છે. અને એ બાબતે પરિવારને જે કોઈપણ આર્થિક,માનસિક, સામાજિક, શારીરિક નુકસાની થશે એની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે તે બાબત ધ્યાને લેશો.