નવીન: ‘ગુજરાત સમાચારે’ 1 ડીસેમ્બર 2025ના રોજ અહેવાલ પ્રસિદ્ધ કર્યો છે : “ગુજરાતની પ્રજાએ સરકારને ઢંઢોળી પણ ‘હપ્તા’ નડ્યા ! નાયબ મુખ્યમંત્રીએ જાહેરમંચ પરથી કહેલ કે ‘દારુ-ડ્રગ્સની ફરિયાદ હોય તો મને કહેજો 24 કલાકમાં દરોડા પડાવીશ’. પરંતુ લોકોએ 3 વરસમાં, બુટલેગર્સ વિરુદ્ધ 48,387 ફરિયાદો કરી છતાં દારુ-ડ્રગ્સનું દૂધ વકર્યું છે. હવે શાળા-કોલેજો/ ધર્મસ્થળોની આજુબાજુ દારુ-ડ્રગ્સ વેચાય છે. જિગ્નેશ મેવાણીએ દારૂ-ડ્રગ્સ સામે જંગ છેડ્યો છે જેને લોકો તરફથી જનસમર્થન મળી રહ્યું છે. તેથી સરકાર મૂંઝવણમાં મૂકાઈ ગઈ છે. દારુ-ડ્રગ્સના વેચાણ સામે દર મહિને 1500થી વધુ ફરિયાદો પોલીસને મળે છે, છતાં આ બદી નિયંત્રણમાં કેમ આવતી નથી? પોલીસના પેટનું પાણી કેમ હલતું નથી? શું બુટલેગર્સ/ ડ્રગ્સ માફિયાઓને પોલીસનું/ સરકારનું સંરક્ષણ છે? દારુ-ડ્રગ્સની બદીને નિયંત્રિત કરવા સરકારે ‘SMC-સ્ટેટ મોનિટરિંગ સેલ’ની રચના કરી છે અને તેમાં પ્રામાણિક IPS અધિકારી નિર્લિપ્ત રાયની નિમણૂક કરી છે. વર્ષ 2024માં, SMCએ બુટલેગર્સને ઝડપી પાડવા 20,000 થી લઈ 1,00,000 સુધીના ઈનામની જાહેરાત કરી હતી. છેલ્લા 3 વર્ષમાં બુટલેગર્સે પોલીસ પર હુમલા કર્યા હોય તેવી 28 ઘટનાઓ બની છે, જેમાં 21 પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા હતા. આ હુમલાખોર બુટલેગર્સને પોલીસ શોધી શકી નથી.”
આ બાબતે GSTV પર વરિષ્ઠ પત્રકાર પ્રવીણ આહિર સાથે 1 ડીસેમ્બર 2025ના રોજ વાત થઈ હતી. (લિંક કોમેન્ટ્સ સેક્શનમાં)
દારૂ-ડ્રગ્સના દૂષણ બાબતે લોકોના મનમાં ઘણાં પ્રશ્નો છે. આ બાબત સવાલ જવાબ રુપે સમજીએ:
સવાલ : શું દારૂ, ડ્રગ્સ, જુગારના હપ્તા મુખ્યમંત્રી/ નાયબ મુખ્યમંત્રી સુધી જતાં હોય છે ?
જવાબ : “મુખ્યમંત્રી કે નાયબ મુખ્યમંત્રી બુટલેગર્સ પાસેથી હપ્તા લે, તે વાત ખોટી છે. કેમકે મુખ્યમંત્રી/ નાયબ મુખ્યમંત્રી પાસે કોર્પોરેટ લોબી હોય છે, ઉપરાંત તેમની પાસે એવી સત્તા છે જેના થકી ઈચ્છે તેટલા નામ પ્રાપ્ત કરી શકે છે. એટલે કોઈ મુખ્યમંત્રી/ નાયબ મુખ્યમંત્રી બુટલેગર્સના પૈસા ન લે. હા, એવું બની શકે કે પોતાના મત વિસ્તારમાં ચૂંટણી દરમિયાન બુટલેગરની ‘સેવા’ લે ! કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભા ચૂંટણી 2024 દરમિયાન જુહાપુરામાં ગુજરાતના ટોપ ગુંડાઓની સેવા લીધી હતી !”
સવાલ : જો મુખ્યમંત્રી/ નાયબ મુખ્યમંત્રી બુટલેગર પાસેથી હપ્તા લેતા ન હોય તો દારૂ-ડ્રગ્સ-જુગારની પ્રવૃત્તિ નિયંત્રણ કેમ થતી નથી ?
જવાબ : “[1] સિનિયર પોલીસ અધિકારીઓના કારણે. [2] પોલિસીની ખામીના કારણે.”
સવાલ : આ બાબતે વિસ્તારથી કહો.
જવાબ : “સામાન્ય રીતે દારૂ, ડ્રગ્સ, જુગારની બદી માટે કોન્સ્ટેબલ/ હેડકોન્સ્ટેબલ/ PSI/ PIને જવાબદાર માનવામાં આવે છે. તેમની સામે સસ્પેન્શન તથા ખાતાકીય તપાસ ચાલે છે. પરંતુ SP/ રેન્જ IGP/ પોલીસ કમિશનર સામે કાર્યવાહી થતી નથી, તેના કારણે દારૂ, ડ્રગ્સ, જુગારની બદી અટકતી નથી. વાસ્તવમાં, જિલ્લામાં SP અને રેન્જ DIG-IGPની મંજૂરી વિના દારૂ, ડ્રગ્સ, જુગારની પ્રવૃત્તિઓ ન થાય. મંજૂરી આપવાનું કામ LCBના અધિકારી કરે છે. તેમાં SP/ રેન્જ IGPની સહમતી હોય છે. શહેરમાં આ કામ PCBના પોલીસ ઈન્સ્પેકટર કરે છે. તેમાં પોલીસ કમિશનરની સહમતી હોય છે. આમ સહમતીથી દારૂ, ડ્રગ્સ, જુગારનું અર્થતંત્ર ચાલે છે. આ રાજ્યના પોલીસ વડા-DGP જાણે છે. જો DGP પ્રામાણિક હોય અને સાથે હિમ્મતવાન હોય તો દારૂ, ડ્રગ્સ, જુગારની પ્રવૃત્તિઓ સંકેલાઈ જાય છે. જૂન 1985માં કેન્દ્ર સરકારે ગુજરાતના DGP તરીકે IPS અધિકારી જુલિયો રિબેરોને મૂક્યા હતા. જેવો તેમણે ચાર્જ સંભાળ્યો કે તરત જ આખા ગુજરાતમાં દારૂ, જુગારના અડ્ડા સંકેલાઈ ગયા, કોમી રમખાણો શાંત પડી ગયા, બુટલેગર્સના હુમલાઓ બંધ થઈ ગયા ! કેમકે તેઓ હિમ્મતવાન હતા અને પ્રામાણિક હતા. SP/ રેન્જ IGP/ પોલીસ કમિશનર પણ ડરી ગયા કે આ તો યુનિફોર્મ ઉતરાવી નાખશે ! એટલે નીચે કોન્સ્ટેબલ સુધી મેસેજ આપી દીધો કે અસામાજિક પ્રવૃતિઓ સંકેલી લો !” મતલબ કે દારૂ, ડ્રગ્સ, જુગારની બદી માટે માત્ર કોન્સ્ટેબલ/ હેડકોન્સ્ટેબલ/ PSI/ PIને જવાબદારને જવાબદાર માનવાની પોલીસી ખામી ભરેલી છે. જો મોટા પ્રમાણમાં દારૂ, ડ્રગ્સ, જુગારની પ્રવૃત્તિ પકડાય તો SP/ રેન્જ IGP/ પોલીસ કમિશનર સામે કેમ કાર્યવાહી થતી નથી?”
સવાલ : દારૂ, ગાંજા, ડ્રગ્સ, જુગારની બદી માટે SP/ રેન્જ IGP/ પોલીસ કમિશનર સામે કેમ કાર્યવાહી થતી નથી ?
જવાબ : “આ પ્રશ્ન સમજવા જેવો છે. દારૂ, ડ્રગ્સ, જુગારની બદીનું પગેરુ અહીં પડ્યું છે. આ બાબતે મુખ્યમંત્રી/ નાયબ મુખ્યમંત્રીએ ચિંતન કરવું જોઈએ. સામાન્ય રીતે દારૂ, ડ્રગ્સ, જુગારની બદી માટે કોન્સ્ટેબલ/ હેડકોન્સ્ટેબલ/ PSI/ PIને જવાબદાર માનવામાં આવે છે. તેમની સામે સસ્પેન્શન તથા ખાતાકીય તપાસ ચાલે છે. પરંતુ SP/ રેન્જ IGP/ પોલીસ કમિશનર સામે કાર્યવાહી થતી નથી, તેના કારણે દારૂ, ડ્રગ્સ, જુગારની બદી અટકતી નથી. જૂઓ, દારૂ, ડ્રગ્સ, જુગારની બદીના કારણે મુખ્યમંત્રી કે નાયબ મુખ્યમંત્રીને સરકારની બદનામી થઈ રહી છે તે તેમને જરા પણ ન જ ગમે. સરકારની ઈમેજ ખરડાય નહીં તેવું જ તેઓ ઈચ્છે. એટલા માટે તો ‘SMC-સ્ટેટ મોનિટરિંગ સેલ’ની રચના કરી છે અને તેમાં પ્રામાણિક IPS અધિકારી નિર્લિપ્ત રાયની નિમણૂક કરી છે. પરંતુ તેમની નાની ટીમ આખા ગુજરાતમાં ધ્યાન આપી શકે નહીં. સરકાર પોતાની ઈમેજને મેકઅપ કરવા ઈચ્છે છે. પરંતુ તેમની પાસે ઈચ્છાશક્તિનો અભાવ છે અથવા તેમની ઈચ્છાશક્તિ પર દિલ્હીથી જડબેસલાક નિયંત્રણ છે. મારી દ્રષ્ટિએ દારૂ, ડ્રગ્સ, જુગારની બદી પર નિયંત્રણ લાવવા SMCની પણ જરુર નથી. SMCની રચના કરવી પડી તેનો અર્થ એ છે કે સરકારનું નિયંત્રણ SP/ રેન્જ IGP/ પોલીસ કમિશનર પર નથી. સરકાર SMCની રચના દ્વારા અને તેમાં પ્રામાણિક પોલીસ અધિકારીને મૂકીને સરકાર પોતાની ઈમેજ સાચવવા કોશિશ કરે છે. પરંતુ સવાલ એ છે કે SMCનું સુપરવિઝન DGP પાસે કેમ? શામાટે SMC સીધો ગૃહવિભાગ હેઠળ નથી? વળી દારૂ, ડ્રગ્સ, જુગારની બદી માટે નિષ્ક્રિય કે સંડોવાયેલ SP/ રેન્જ IGP/ પોલીસ કમિશનર વિરુદ્ધ રિપોર્ટ કરવાનું છૂટ SMCના વડાને છે ખરી? ઉકેલ શું? જો સરકાર દારૂ, ડ્રગ્સ, જુગારની બદીને નિયંત્રિત કરવા ઈચ્છતી હોય તો તાત્કાલિક SMCને ગૃહવિભાગ હેઠળ મૂકે અને તેમના વડા SP/ રેન્જ IGP/ પોલીસ કમિશનર વિરુદ્ધ રિપોર્ટ કરે તો સૌ પ્રથમ તેમની સામે પગલાં લેવાય તો ગુજરાત આખામાં એક ઝાટકે દારૂ, ડ્રગ્સ, જુગારની બદી સંકેલાઈ જાય !”
સવાલ : શા માટે સરકાર SP/ રેન્જ IGP/ પોલીસ કમિશનર વિરુદ્ધ પગલાં લેતી નથી ?
જવાબ : “મૂળ સમસ્યા આ જ છે. જૂઓ સામાન્ય રીતે, સરકાર SP/ રેન્જ IGP/ પોલીસ કમિશનર તરીકે કેવા અધિકારી પસંદ કરે છે? જેઓ સરકારની મૌખિક સૂચનાઓનું ઉત્સાહભેર પાલન કરે. સતાપક્ષને સાચવે. સત્તાપક્ષના ધારાસભ્ય/ સંસદસભ્ય સામે FIR ન નોંધે. જો FIR નોંધવાનો હુકમ હાઇકોર્ટ કે સુપ્રીમ કોર્ટ કરે તો તપાસમાં ઠાગાઠૈયા કરે. આરોપી ધારાસભ્ય/ સંસદસભ્યને અરેસ્ટ ન કરે, તેમને પુરાવાનો નાશ કરવાની તક આપે, ફરિયાદી સાથે સમાધાન કરવાની તક આપે. વિપક્ષના ધારાસભ્યને ટીંગાટોળી કરી અટક કરે. બેરોજગાર યુવાનો પર લાઠીચાર્જ કરે. આંગણવાડી બહેનો પર લાઠીચાર્જ કરે. ખેડૂતોને બરાબર ઢીબી નાખે. સરકા સામે અવાજ ઉઠાવનાર પત્રકાર/ એક્ટિવિસ્ટ/ જાગૃત નાગરિકને ખોટા કેસમાં પૂરી દે. ટૂંકમાં સરકાર એવા જ SP/ રેન્જ IGP/ પોલીસ કમિશનર પસંદ કરે છે જે આવી સેવા કરી શકે. એટલે સરકાર પ્રામાણિક/ હિંમતવાન IPS અધિકારી સાથે ભારોભાર અસ્પૃશ્યતા રાખે છે. ગુજરાતમાં, આખા ભારતમાં ન બન્યો હોય તેવો કિસ્સો બન્યો છે. DySPથી DIG સુધી પ્રામાણિક પોલીસ અધિકારીને સાઈડ પોસ્ટિંગમાં જ રાખ્યા છે. પ્રામાણિક અને હિંમતવાન IPS અધિકારી સતિષ વર્મા/ રજનીશ રાય/ રાહુલ શર્મા પર સિતમ ગુજારવામાં સરકારે પાછી પાની કરી ન હતી. સરકારને પ્રામાણિક અને હિંમતવાન IPS અધિકારીઓ પસંદ નથી, એમને હાજીહાજી કરનાર/ ચાપલૂસ IPS અધિકારીઓ જ ગમે છે. આ અધિકારીઓ સરકારની મૌખિક સૂચનાઓ મુજબ અતિ ઉત્સાહપૂર્વક કામ કરે છે, એટલે તેમની સામે પગલાં ભરતાં સરકાર પોતાના સ્વાર્થવશ ડરે છે. જ્યાં સુધી આ નીતિમાં ફેરફાર નહીં થાય ત્યાં સુધી સરકાર ભાજપની હોય કે કોંગ્રેસની હોય કે આમ આદમી પાર્ટીની હોય; દારૂ, ડ્રગ્સ, જુગારની બદી પર નિયંત્રણ આવી શકે નહીં !
BY: રમેશ સવાણી











