સુરત: સુરત જિલ્લામાં દારૂબંધીના કાયદાના અમલની નિષ્ફળતાને ઉજાગર કરતો એક મોટો રાજકીય પડકાર સામે આવ્યો છે, જ્યાં વિપક્ષી નેતાએ 538 બુટલેગરોની નામ-સરનામા સાથેની વિગતવાર યાદી જાહેર કરીને પોલીસની કાર્યક્ષમતા સામે સીધો સવાલ ઉઠાવ્યો છે.
કોંગ્રેસના નેતાએ એક 538 બુટલેગરોની યાદી એવી યાદી જાહેર કરી છે જેણે સૌ કોઇને ચોંકાવી દીધા છે. કોંગ્રેસના નેતા દર્શનભાઈ નાયક દ્વારા સુરત જિલ્લાના 13 તાલુકાઓના 538 સક્રિય બુટલેગરોની વિગતવાર યાદી માત્ર નામ અને સરનામા જ નહીં, પરંતુ તેમના મોબાઈલ નંબર અને બુટલેગરો સામે અગાઉ નોંધાયેલા ગુનાઓની સંખ્યા જેવી માહિતી ખુલ્લી પાડી દીધી છે. કામરેજ તાલુકાના 92 બુટલેગરોની માહિતી પર ભાર મૂકવામાં આવ્યો છે. દર્શનભાઈ નાયકે આ યાદીના આધારે જિલ્લામાં દારૂ, ડ્રગ્સ અને ગાંજો પર બદીઓને કાયમી ધોરણે ડામી દેવા તાત્કાલિક કાર્યવાહીની માગ કરી છે.
કોંગ્રેસના નેતા દર્શન નાયકે એક ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું છે કે સુરત જિલ્લામાં સક્રિય બુટલેગરોની સંપૂર્ણ માહિતી પોલીસ વિભાગ પાસે પહેલેથી જ ઉપલબ્ધ છે. તેમણે ખુલાસો કર્યો કે સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષકની કચેરી દ્વારા દર વર્ષે આ સત્તાવાર યાદી તમામ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર અને સબ-ઇન્સ્પેક્ટરોને મોકલવામાં આવે છે. આના પરથી સ્પષ્ટપણે સાબિત થાય છે કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અંગે માહિતીનો કોઈ અભાવ નથી, પરંતુ કાર્યવાહીનો અભાવ છે, જે પોલીસ તંત્રની નિષ્ફળતા અને ઇચ્છાશક્તિ પર મોટો સવાલ ઊભો કરે છે.











